દમણ: તારીખ 18 અને 19 ઓગસ્ટના દમણ ખાતે આયોજિત ભાજપની ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદનું સમાપન થયું છે. પરિષદમાં નેતાઓએ ઉપસ્થિત 6 રાજ્યના જિલ્લા પંચાયતના 145 પ્રતિનિધિઓને વિવિધ માર્ગદર્શન આપ્યું હતું. પરિષદમાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા ના હોય અને તેની સાથે તાલમેળ જાળવતા ના હોવાનો બળાપો કાઢ્યો હતો.
સમસ્યાનું નિરાકરણ લાવવા માર્ગદર્શક રાષ્ટ્રીય નેતાઓને અનુરોધ: ઓગસ્ટ 18 અને 19 એમ બે દિવસની આ કાર્યશાળાનું બીજા દિવસે રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષની ઉપસ્થિતિમાં સમાપન કરવામાં આવ્યું હતું. પરિષદમાં વિવિધ સરકારી યોજના અંગે અપાયેલ માર્ગદર્શનની વિગતો દાદરા નગર હવેલી અને દમણ દિવ ભાજપના અધ્યક્ષ દીપેશ ટંડેલ પત્રકાર પરિષદમાં આપી હતી. દીપેશ ટંડેલ જણાવ્યું હતું. પરિષદમાં ઉપસ્થિત મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ દિવના જિલ્લા પંચાયતના કુલ 145 પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે અન્ય રાજ્યના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, અધિકારીઓ તેમની સાથે તાલમેળ જાળવતા નથી. જે સમસ્યાનું નિરાકરણ લાવવા માર્ગદર્શક રાષ્ટ્રીય નેતાઓને અનુરોધ કર્યો હતો.
બી.એલ સંતોષની ઉપસ્થિતિમાં સમાપન: પત્રકાર પરિષદમાં દીપેશ ટંડેલે બે દિવસીય પરિષદમાં અપાયેલ માર્ગદર્શન અંગે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલી અને દમણ દીવના દમણ ખાતે છ રાજ્યના ચૂંટાયેલ જિલ્લા પંચાયતના કુલ 145 પ્રમુખ ઉપપ્રમુખ માટે બે દિવસીય ક્ષેત્રીય પંચાયતીરાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિષદના બીજા દિવસે રાષ્ટ્રીય નેતા બી.એલ સંતોષની ઉપસ્થિતિમાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન: આ કાર્યશાળામાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડા, બી. એલ. સંતોષ, કૈલાશ વિજય વર્ગીય, શિવ પ્રકાશ, કપિલ પાટીલ, અરુણ ઝવેરી, ડૉ. વિનય સહસ્ત્ર બુદ્ધે સહિતના રાષ્ટ્રીય નેતાઓએ સંબોધન કર્યું હતું. પંચાયત કેમ ચલાવવી, સરકારી યોજનાઓ નો લાભ કઈ રીતે લોકો સુધી પહોંચાડી નવા ભારતનું નિર્માણ કરવું તેવા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અધિકારીઓની મનમાની મોટો પ્રશ્ન: જો કે, ભાજપથી લોકોની અપેક્ષા ખૂબ જ વધી છે. કાર્ય શાળામાં છ રાજ્યના સાડા સાત કરોડ લોકોનું નેતૃત્વ કરનારી જિલ્લા પંચાયતોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હોય સંવિધાનના અધિકારોનું સમાધાન કઈ રીતે કરવું તે વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે દરમિયાન અન્ય રાજ્યના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓની અમલવારી કરવામાં અને જન જન સુધી તે પહોંચાડવામાં અધિકારીઓની મનમાની મોટો પ્રશ્ન બની રહ્યો છે. આ સમસ્યા અંગે પ્રતિનિધિઓએ પોતાની રજૂઆત કરી હતી. જે અંગે કૈલાશ વિજય વર્ગીય જણાવ્યું હતું કે આવી સમસ્યાઓનું પણ ત્રણ રીતે નિરાકરણ લાવી શકાય છે. તે અંગે તમે સ્થાનિક લેવલે અને તે બાદ રાષ્ટ્રીય લેવલે રજૂઆત કરી શકો છો.
વિકાસની રૂપરેખા રજૂ કરી: દમણમાં અને દાદરા નગર હવેલીમાં પણ જિલ્લા પંચાયત છે તે અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે અન્ય રાજ્યમાં જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ સાથે અધિકારીઓનો તાલમેળ તકલીફ આપનારો છે. પરંતુ દમણ દાદરા નગર હવેલીના પંચાયતના પ્રતિનિધિઓએ દમણ, દાદરા નગર હવેલીમાં થઈ રહેલા વિકાસની રૂપરેખા રજૂ કરી હતી. ટૂંકમાં અહીં અધિકારીઓ સાથે સંપૂર્ણ તાલમેળ હોવાનું આડકતરી રીતે પોતાની વાતમાં જણાવી દીધું હતું.
પરિષદને સફળ બનાવ અથાગ મહેનત: ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પણ હોય દમણ ખાતે યોજાયેલ આ પરિષદનો પડઘો તે ચૂંટણીમાં પણ ચોક્કસ પડવાનો છે. જેનો લાભ મળશે તેવી આશા કાર્યક્રમના બે દિવસના સમાપન બાદ દમણના નેતાઓએ વ્યક્ત કરી હતી. પરિષદમાં દીપેશ ટંડેલ ઉપરાંત સાંસદ લાલુ પટેલ, દમણ પાલિકા પ્રમુખ અસ્પી દમણિયા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ક્ષેત્રીય પંચાયતિરાજ પરિષદને સફળ બનાવ અથાગ મહેનત કરી હતી.