અહીં આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી આ ભાડાના મકાનમાં વિવિધ ગુનાઓમાં ઝડપાયેલા વાહનો પણ મુકવામાં અગવડતા પડી રહી છે. થોડા સમય પહેલાં જ ઝડપાયેલ વાહનો પૈકી બે વાહનો આગની ચપેટમાં પણ આવી ગયા હતાં. જેને લઈ રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
વાપી ડુંગરા પોલીસ મથક ભાડાના મકાનમાં ચાલે છે અને વાહન પાર્કિંગની પણ અગવડ પડતી હોવાનું ધ્યાને લઈ વાપી ડુંગરા પોલીસ મથક માટે નવું સ્ટેશન વાપી ધરમપુર નજીક બનાવવામાં આવ્યું છે. જો કે, હજી તેની થોડીઘણી કામગીરી બાકી હોવાથી ત્યાં બદલી કરવામાં આવી નથી.
આ વિસ્તારમાં પણ વાહન પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે કે કેમ..? તે વિશે અનેકવિધ ચર્ચાઓ સંભળાઈ રહી છે. તેની સાથે હાલ આ વાપીના ડુંગરી ફળિયામાં નવનિર્માણ પામેલ વાપી ડુંગરા પોલીસ સ્ટેશનનું મુહૂર્ત ક્યારે આવશે અને તેનું વિધિવત ઉદ્દઘાટન કરી ક્યારે કરાશે તેના પણ ઠેકાણા નથી. પોલીસ કર્મચારીઓ ક્યારે ભાડાના મકાનમાંથી પોતાના પોલીસ સ્ટેશનમાં કામ કરશે તે માટે મીટ માંડીને બેઠા છે.