ગુરુવારે યોજાનારી મતગણતરી માટે કરાડ પોલીટેક્નિક કોલેજ ખાતે 1800 કર્મચારી EVMમાં અને VVPETમાં મતગણતરીની કામગીરી હાથ ધરાશે. જ્યારે પોલીસ, હોમગાર્ડ, CISF મળી 650 સુરક્ષા કર્મીઓ તૈનાત રહેશે. કુલ 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જ્યારે દમણમાં 11 ટેબલ અને 9 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે.
23મી એપ્રિલે આ બંને સંઘપ્રદેશોમાં યોજાયેલા મતદાનમાં દાદરા નગર હવેલીમાં 79.59 ટકા જેટલું અને દમણમાં 73.08, દીવમાં 69.02 ટકા સાથે દમણ-દિવનું 71.82 ટકા જેટલું મતદાન નોંધાયું છે. દાદરા નગર હવેલીમાં 11 ઉમેદવારોનું ભાવિ હાલ EVMમાં સીલ થઈ ગયું છે. જ્યારે દમણના ચાર ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. જે ગુરુવારે સવારના સાત વાગ્યાથી શરૂ થનાર મતગણતરી બાદ મતદારોએ કોને સાંસદ તરીકે ચૂંટયા છે, તે સ્પષ્ટ થશે. દમણ- દિવના કુલ 1,21,729 મતદારો પૈકી 71.82 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. દમણ દીવમાં કુલ 60,986 પુરુષ મતદારો, 60,743 મહિલા મતદારોમાથી દમણમાં 97 મતદાન મથકો પર 73.08 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. દીવમાં 52 પોલિંગ બૂથ પર 69.02 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
દાદરા નગર હવેલીમાં કુલ 11 ઉમેદવારો માટે 288 મતદાન મથક પર મતદાન યોજાયું હતું. દાદરા નગર હવેલીના 1,32,389 પુરુષ મતદારો, 1,17,629 મહિલા મતદારો, 3 ટ્રાન્સજેન્ડર મતદાર મળી કુલ 2,50,021 મતદારો પૈકી 1,03,506 પુરુષ મતદારો, 95,479 મહિલા મતદારો મળી કુલ 1,98,985 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 79.59% મતદાન નોંધાવ્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ગત 2009માં 73.22% મતદાન નોંધાયું હતુઁ. જ્યારે 2014માં 84.08 % મતદાન નોંધાયું હતું. દમણ-દીવમાં ગત 2009માં 71.85%, 2014માં 77.84 % મતદાન નોંધાયું હતું. જેમાં આ વખતે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોય હાલ કોણ જીત મેળવશે તે માટે તમામ ઉમેદવારોમાં આ ઘટાડો ક્યાં પક્ષને કે ઉમેદવારને અસર કરશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
આ લોકસભા સીટ અંગે વાત કરીએ તો દાદરા નગર હવેલીમાં 11 ઉમેદવારોમાંથી મુખ્ય કહેવાતા ચાર ઉમેદવારો વચ્ચે ચતુષ્કોણીય જંગ જામ્યો હતો. દાદરા નગર હવેલીમાં ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર પ્રભુ ટોકીયા, શિવસેનાના ઉમેદવાર અંકિતા પટેલ અને અપક્ષ ઉમેદવાર તરીકે મોહન ડેલકરે પોતાની દાવેદારી નોંધાવી હોય, આ ચાર પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. જેનું ભાવી હાલ ઈવીએમમાં સીલ થઈ ગયું છે અને તમામ EVMને દાદરા નગર હવેલીની પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આવતી કાલે મતગણતરી માટે ખોલવામાં આવશે.
દમણમાં આ વખતે ત્રિકોણીય જંગ જામ્યો હતો. આ ત્રિકોણીય જંગમાં ભાજપ તરફથી લાલુભાઇ પટેલ, કોંગ્રેસ તરફથી કેતન પટેલ અને અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલ વચ્ચે લોકસભા ચૂંટણીની સ્પર્ધા થઈ છે. જેઓનું ભાવી પણ હાલ તો ઈવીએમમાં સીલ થઈ ગયું છે. જેમાંથી કોણ લોકસભા સીટના વિજેતા બનશે તે ગુરૂવાર 23 મેના મતગણતરી બાદ સ્પષ્ટ થશે.