વાપીમાં વર્ષ 2019 દરમ્યાન ક્રાઇમના ગુન્હાઓમાં ખુબજ ઘટાડો નોંધાયો હોવાનું વાપી DYSP વિરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું, જાડેજાએ આ અંગે વિગતો આપી હતી કે, વાપી ડિવિઝનમાં મિલકત સંબંધિત ગુન્હાઓમાં ગત વર્ષની તુલનાએ 275 ગુન્હા ઘટ્યા છે. વાપી ડિવિઝનમાં આ વખતે પોલીસ સ્ટાફમાં GRDની ભરતી ખૂબ જ ફળી છે. સતત નાઈટ રાઉન્ડના કારણે આ શક્ય બન્યું છે.
વાપી અને ઉમરગામ પરપ્રાંતીય વસ્તી ધરાવતો અને અન્ય રાજ્ય, સંઘપ્રદેશની સરહદ પર આવેલો વિસ્તાર હોય દર વર્ષે ધાડના ગુન્હા બનતા હતાં. જેમાં પાછલા 10 વર્ષ બાદ 2019માં પ્રથમ વખત પોલીસની સજાગતાને કારણે એક પણ ધાડનો ગુન્હો નોંધાયો નથી. પોલીસ માટે આ ખુબજ મહત્વની સિદ્ધિ છે.એ ઉપરાંત ઓવરઓલ વર્ષ દરમ્યાનમાં ગુન્હાઓની વાત કરીએ તો વર્ષ 2019માં વાહન અકસ્માત સંબંધિત ગુન્હાઓમાં પણ ઘટાડો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, વાપી ડિવિઝન માટે ભલે વર્ષ 2019 ક્રાઈમ ડાયરીમાં સિદ્ધિનું વર્ષ રહ્યું હોય તેમ છતાં, વાપીમાં ચેઇન સ્નેચિંગના ગુન્હા રોજબરોજના હતાં. મોબાઇલ ચોરી, મહિલાઓને ભોળવી દાગીના પડાવવા કે મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના તોડી, લોકોના હાથમાંથી બેગની ચીલઝડપ, મારામારી જેવા અનેક ગુન્હાઓમાં વાપી પોલીસનું અનેકવાર નાક પણ કપાયું હતું.