દાદરા નગર હવેલીઃ સીલી ગામમાં આવેલા જવાહર નવોદય કેન્દ્રીય વિદ્યાલય શાળામાં અંદાજીત 494 બાળકો ત્યાં જ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે, જેમાંથી 23 વિદ્યાર્થીઓની કોઈક કારણસર અચાનક તબિયત બગડતા શાળા પરિવારમાં દોડધામ મચી ગયી હતી. આ બાળકોને પહેલા સીલી PHC સેન્ટર પર લઇ જવામાં આવ્યાં હતાં, ત્યાંથી બાળકોને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં.
આ ઘટના ઘટતા મેડિકલની ટીમ શાળાની હોસ્ટેલ પર પહોંચી હતી, ત્યાંના પીવાના પાણી તેમજ ખોરાકના સેમ્પલ લઇ તેની તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેના પરથી વિદ્યાર્થીઓનું અચાનક બીમાર પડવાનું કારણ જાણી શકાશે. શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર, પ્રથમવાર આવી ઘટના બની હતી. વિદ્યાર્થીઓ માટે જે ખાવાનું બનાવવામાં આવે છે, તે જ અમે પણ ખાઈએ છીએ અને પીવાનું પાણી પણ અમે એ જ વાપરીએ છીએ.
ડૉક્ટરના જણાવ્યા અનુસાર, પીવાના પાણીના મિનરલ વોટરના જારના સેમ્પલ મંગાવવામા આવ્યાં છે, જ્યાં સુધી બીમારીનું કારણ ખબર ન પડે ત્યાં સુધી એજ પાણીનો ઉપયોગ બાળકો માટે કરવામાં આવશે. બાળકોને સારવાર અપાતા તેઓ સાજા થઇ ગયા છે. સુત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ, સીલી ગામમાં કેટલીક કેમિકલ કંપનીઓ આવેલી છે. જેઓ દ્વારા જમીનની અંદર ઊંડા ખાડા કરી કેમિકલ સીધું જ નાખવામાં આવે છે, જેના કારણે સીલી ગામનાં ઘણા વિસ્તારના બોરિંગના પાણી પણ ખરાબ થઇ ગયા છે. ગામના લોકોએ પણ પીવાના પાણી માટે બીજા ગામના લોકોના સહારે રેહવાની ફરજ પડી રહી છે.