- અર્થ સંકલ્પ પર ચર્ચા કરવા રૂપાલા દમણ આવ્યા
- ઉજ્વલા યોજનામાં આઠ કરોડ મહિલાને કનેક્શન આપ્યા બાદ એક કરોડનું વધુ પ્રાવધાન
- કિસાનોએ આંદોલન કરવાને બદલે સરકાર સાથે સમાધાન કરી લેવું જોઈએ
દમણ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં અર્થ સંકલ્પ પર ચર્ચા કરવા માટે રાજયકક્ષાના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયના પ્રધાન પુરુષોત્તમ રૂપાલા એક દિવસની મુલાકાતે આવ્યા હતાં. જે અંતર્ગત રૂપાલાએ દમણ ખાતે પત્રકાર પરિષદને સંબોધીને બજેટ અંગેની વિસ્તૃત ચર્ચા અને કિસાન આંદોલન અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં.
રૂપાલાએ પત્રકાર પરિષદને સંબોધી
પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભાજપની મોદી સરકારે 21મી સદીના પ્રારંભે દેશને આત્મનિર્ભર બનાવવાવાળુ બજેટ રજૂ કર્યું હતું. જેની જાણકારી તમામને મળે તે માટે તેઓ સંઘપ્રદેશની મુલાકાતે છે. નરેન્દ્ર મોદીએ 2014 માં વડાપ્રધાન તરીકે જે સંકલ્પ લીધા હતા તે પ્રમાણે આ બજેટમાં તે તમામ સંકલ્પને નિભાવ્યા છે.
દેશને આત્મનિર્ભર બનાવનારું બજેટ રજૂ કર્યું
ઉજ્વલા યોજનામાં આઠ કરોડ મહિલાને કનેક્શન આપ્યા બાદ એક કરોડનું વધુ પ્રાવધાન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળને ધ્યાને રાખીને 94,000 કરોડના બજેટને બદલે 2 લાખ 38 હજારનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોદી સરકારે પીવાના શુદ્ધ પાણી, આરોગ્ય, ખેડૂત ધિરાણ, શિક્ષણ અંગે માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અધ્યતન બનાવવાના પ્રસ્તાવો રજૂ કર્યા હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું.
કિસાનોએ કાયદાથી થનારા નુકસાન અંગે ચર્ચા કરવી જોઈએ
પુરુષોત્તમ રૂપાલાએ કિસાન આંદોલન અંગે જણાવ્યું હતું કે, આંદોલનકારીઓની માંગણી ત્રણ કાયદા પાછા લેવાની છે, જે લોકતાંત્રિક વિરુદ્ધ છે. આ અંગે ટેબલ પર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન વિપક્ષોએ અઘરા શબ્દોનો પ્રયોગ કરી ચર્ચામાં ભાગ તો લીધો હતો, પરંતુ આ કાયદાથી શું નુકસાન થશે તેવી એકપણ રજૂઆત કરી ન હતી. ખેડૂતોએ બીલના વિરોધમાં આંદોલન કરવાને બદલે સરકાર સાથે તે અંગે ચર્ચા કરી સમાધાન કરી લેવું જોઈએ.
સેલવાસમાં અર્થ સંકલ્પ હેઠળ વાર્તાલાપ કર્યો
ઉલ્લેખનીય છે કે, પુરુષોત્તમ રૂપાલાએ દમણની મુલાકાત બાદ દાદરા નગર હવેલીની મુલાકાત લઈને ત્યાં ઉદ્યોગપતિઓ, પ્રબુદ્ધ નાગરિકો સાથે મોદી સરકારના બજેટ અંગે વાર્તાલાપ કર્યો હતો. જોકે, સુત્રોનું માનીએ તો રૂપાલાની આ મુલાકાત મોદી સરકારના બજેટની વાહવાહી કરી કિસાન આંદોલનથી જનતાનું ધ્યાન ભટકાવવાની હોવાનું માનવામાં આવી રહ્યું છે.