- CAIT અને AITWAનું ભારત બંધનું એલાન
- વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું સમર્થન
- ઇ-વે બિલમાં સુધારો કરવામાં આવે
વાપી :- દેશના 29 રાજ્યમાં GST ના નવા નિયમ મુજબ ઇ-વે બિલમાં 200 ટકા દંડની જોગવાઈ કરવામાં આવનાર છે. જેના વિરોધમાં શુક્રવારે ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રક એસોસિએશન દ્વારા 1 દિવસની હડતાળ પાડી ભારત બંધનું એલાન આપ્યું છે. જેને વાપીમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પણ સમર્થન આપ્યું હતુઁ. વાપીમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સમગ્ર ભારતમાં સરકાર દ્વારા GST ના નવા નિયમોમાં ઇ-વે બિલમાં પેનલ્ટી પેટે 200 ટકાના દંડની જોગવાઈ કરવામાં આવનાર હોય એ નિયમ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે અસહ્ય અને અન્યાયી હોય તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન દ્વારા એક દિવસની હડતાળ પાડી ભારત બંધનું એલાન આપ્યું છે. જેને વાપી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ સમર્થન આપી ભારત બંધની હડતાળમાં જોડાયા હતાં. જો કે ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
200 ટકા દંડની જોગવાઈ અસહ્ય
ભારત બંધના એલાન અંગે VTA ના પ્રમુખ ભરત ઠક્કરે જણાવ્યું હતું કે ઇ-વે બિલમાં કોઈ ચોરીનો માલ હોય, બિલ વગરનો માલ હોય તો તેને 200 ટકા પેનલ્ટી લગાડવામાં આવવાના નિયમો સરકાર બનાવી રહી છે. જેમાં ટ્રાન્સપોર્ટરો દ્વારા બિલમાં ક્યારેક જો ક્ષતિ રહી જાય અથવા તો અન્ય કોઈ કારણ હોય તો તેણે પણ 200 ટકા પેનલ્ટી ભરવી ફરજિયાત છે. આ નિયમ અન્યાયી છે. જેના વિરોધમાં આ એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.
બંધને મિશ્ર પ્રતિસાદ
જેની સામે ટ્રાન્સપોર્ટ ઉધોગે નારાજગી વ્યક્ત કરી માંગ કરી હતી કે, નવા નિયમોમાં સુધારો કરવામાં આવે. તેમજ 24 કલાકમાં જે 100 કિલોમીટરના અંતરની જોગવાઈ છે. તેને પણ યથાવત કરવામાં આવે, ડ્રાઈવરોની લગતી સમસ્યાઓનું પણ નિરાકરણ લાવવામાં આવે. જોકે એક દિવસીય ભારત બંધની હડતાળ બાદ પણ હાઇવે પર ટ્રકોનો ધમધમાટ યથાવત રહેતાં એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.