દમણઃ ગત 2 માર્ચે સલીમ મેમણ બારવટીયા નામના પૂર્વ કાઉન્સિલર પર 5 જેટલા ઈસમોએ અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. આ ગુન્હામાં દમણ પોલીસે સલીમની હત્યા કરાવનાર વાપીના ઉપેન્દ્ર રાય સહિત 2 લોકોની ધરપક્ડ કરી છે. પ્રાથમિક તારણ મુજબ મિલકતના ઝઘડા અને સલીમ તેનું મર્ડર કરી નાખશે તેવી શંકામાં આરોપીઓએ સલીમની હત્યા કરી નાખી હતી.
દમણમાં પોતાનો બાઇક શો-રૂમ ધરાવતો સલીમ મેમણ પોતાના શો રૂમમાં હાજર હતો ત્યારે, 5 જેટલા હત્યારાઓ આવી 6 જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં સલીમનું મૃત્યુ નીપજ્યું હતું અને હત્યારાઓ ફરાર થઈ ગયા હતાં.
આ અંગે દમણ જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંઘે વિગતો આપતા જણાવ્યું હતું કે, સલીમની હત્યામાં ઉપેન્દ્ર રાય અને જાવીદની અટકાયત કરી છે, જ્યારે હત્યાના શૂટરોની ઓળખ થઈ ગઈ છે. જેઓને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે.
હત્યા પાછળના કારણ અંગે જાણવા મળ્યું હતું કે, ઉપેન્દ્ર રાય અને સલીમ વચ્ચે મિલકતને લઈને ઝઘડા ચાલતા હતાં. જેમાં થોડા દિવસ પહેલા સલીમ પર ઉપેન્દ્ર રાયે કેસ કર્યો હતો. એ ગુનામાં સલીમ જેલવાસ ભોગવી પરત આવ્યો હતો. એટલે ઉપેન્દ્ર રાયને ડર હતો કે, સલીમ તેની હત્યા કરાવી શકે છે. જેથી સલીમની સોપારી આપી પોતે જ સલીમની હત્યા કરાવી નાખી હતી.