વાપી/દમણ : ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો હિન્દૂ તહેવાર એટલે રથયાત્રા. અષાઢી બીજના દિવસે નીકળેલ ભગવાન જગન્નાથની નગરચર્યા રથનું પ્રસ્થાન કરાવવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વાપીમાં પટેલ સમાજ વાડી ખાતેથી પંડોર ઇસ્કોન ટેમ્પલ સુધી ઇસ્કોન સંસ્થા દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપીના ડુંગરા વિસ્તારમાં અને સંઘપ્રદેશ દમણ વિસ્તારમાં પણ ભગવાનના રથમાં સૌ પહેલા પહિંદ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ભવ્ય રથયાત્રા : આમ તો દરરોજ ભક્તોએ ભગવાનના દર્શન કરવા મંદિરે ભગવાન પાસે જવું પડે છે, પરંતુ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્ત પાસે જાય છે. ભક્તો ભગવાનનો રથ ખેંચીને પોતાને ધન્યભાગી સમજે છે. પરંપરા અનુસાર વલસાડ જિલ્લાના વાપીમાં અલગ અલગ 2 સ્થળોએથી અને દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. વાપી નજીક કોપરલી સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સવારે જગન્નાથ ભગવાનની પૂજા અર્ચના મહાઆરતી કરાઈ હતી. ત્યારબાદ બપોરે લેઉઆ પટેલ સમાજની વાડીએથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળી હતી.
3000 વાનગીઓનો અન્નકૂટ : અષાઢી બીજના નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર, બહેન શુભદ્રાને વાપીના ભાવિક ભક્તોએ 3000થી વધુ વાનગીઓનો અન્નકૂટ ધર્યો હતો. વાપીમાં 13 વર્ષથી દર અષાઢી બીજે જગન્નાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ડુંગરા ખાતેથી ચણોદ સુધી શણગારેલા રથમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નગરચર્યા માટે નિકળે છે.
ચાંપતો પોલીસ બંદોબસ્ત : વાપીના પાલિકા પ્રમુખ, વલસાડ કલેકટર, રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ભવ્ય રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ વિભાગ પણ સતર્ક બન્યું હતું. રથયાત્રાના આખા રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ભક્તોનું ઘોડાપૂર : સંઘપ્રદેશ દમણમાં પણ ભગવાન જગન્નાથ તેમના ભાઈ-બહેન સાથે નગરયાત્રાએ નીકળ્યા હતા. દમણમાં અષાઢી બીજના દિવસે જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. ભગવાન જગન્નાથના દર્શન કરવા દમણના ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથનો રથ ખેંચીને પુણ્યનો લહાવો પ્રાપ્ત કર્યો હતો.
"જય જગન્નાથ"નો નાદ ગુંજ્યો : દમણના તીન બત્તી સ્થિત જલારામ મંદિરથી નીકળેલી રથયાત્રા સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ, દમણ ચાર રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, ધોબી તળાવ સહિતના વિવિધ વિસ્તારોમાં વિચરીને જલારામ મંદિરે પરત ફરી હતી. ભગવાન જગન્નાથના શણગારેલા રથને સાંસદ સહિતના રાજકીય આગેવાનોએ રસ્સી વડે ખેંચી જય જગન્નાથનો જયનાદ કર્યો હતો.
ભગવાનનો મનપસંદ પ્રસાદ : ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના વાપીમાં અને દમણમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વાપી અને દમણમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો સ્થાયી થયા છે. જેઓ રથયાત્રાના આયોજન દરમિયાન ઉત્સાહભેર જોડાતા હોય છે. ભગવાનના દર્શન કરી મગ સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સમગ્ર દેશના લોકો નિરોગી રહે આરોગ્યપ્રદ રહે, દેશનો વિકાસ થાય, અર્થતંત્ર મજબૂત બને અને લોકો ભાઈચારાથી રહે તેવી ભક્તોએ પ્રાર્થના કરી હતી.