વલસાડઃ નારગોલ બંદરે હાલ મરોલી કાંઠા વિસ્તારમાં 8 જેટલી બોટ આવી ચૂકી છે. જે હાલ તો દરિયામાં જ છે અને અન્ય 27 જેટલી બોટ મધદરિયે છે. આ તરફ આ તમામ લોકોના સ્ક્રીનીંગ માટે આરોગ્યની ટીમ નારગોલ બંદર પર પહોંચી જરૂરી પગલાં લઈ રહી છે, ત્યારે આ અંગે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
નારગોલના આગેવાન શૈલેષ હોડીવાળાએ જણાવ્યું હતું કે, સરકારે એક તરફ લૉકડાઉનનું જાહેરનામું બહાર પડ્યું છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે અને બીજી તરફ આ વિસ્તારના અનેક માછીમારોને બોટ દ્વારા નારગોલ કાંઠે આવવાની મંજૂરી આપી દીધી છે. જો એમાંથી એકપણ વ્યક્તિને કોરોના હશે તો તેનાથી અત્યાર સુધી મુક્ત રહેલો ઉમરગામ તાલુકો કોરોનાની ઝપેટમાં આવી જશે.
ઉલ્લેખનીય છે કે, હાલ નારગોલ મરોલી બંદરના દરિયા કાંઠે 8 જેટલી બોટ આવી ચૂકી છે. જેમાં જે ઉમરગામ તાલુકાના ખલાસીઓ છે, તેમને જ કાંઠે ઉતરવાની મંજૂરી આપી છે. જ્યારે અન્ય વિસ્તારના લોકોને આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચુસ્ત સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જે બાદ તેઓને બોટ કોરોન્ટાઇન કરવામાં આવશે તેવી વિગતો સૂત્રો પાસેથી મળી છે.