વાપી: તાલુકા સંગઠન ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની 19 લાખની સોપારી આપી શાર્પશુટરો પાસે ફાયરિંગ કરાવી હત્યા કરવાના પ્રકરણમાં વલસાડ પોલીસે વધુ 3 આરોપીઓની ધરપકડ કરી છે. જે અંગે વાપી DYSP એ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી.
વધુ તપાસ હાથ ધરી: વલસાડ જિલ્લાના વાપી તાલુકા સંગઠન ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. ગત તારીખ 8મી મેં ના રાતા શિવ મંદિર બહાર શૈલેષ પટેલની 3 શૂટરોએ ગોળી મારી હત્યા કરી હતી. ઘટનામાં વલસાડ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં મંગળવારે વધુ 3 આરોપીઓની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તપાસ હાથ ધરી: આ અંગે વાપી ડિવિઝનના DYSP બી. એન. દવે એ પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. કે, શૈલેષ પટેલની 3 શાર્પ શૂટરોએ ગોળી મારી હત્યા કરી હતી. તારીખ 8 મી મેં ના આ બનાવમાં શૈલેષ પટેલની પત્ની ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. જેમાં વધુ 3 આરોપીઓ એવા નિલેશ બાબુભાઇ આહીર, મિલનભાઈ વિનોદભાઈ પટેલ અને પરીક્ષિત ઉર્ફે લાલુ નટુભાઈ આહીરની પણ સંડોવણી હોય 6 જૂન મંગળવારે તેમની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મહેફિલ જેવા કેસ: પકડાયેલા ત્રણેય આરોપીઓ હત્યા કરનાર શાર્પ શૂટરને અગાઉ પકડાયેલા વિપુલ પટેલની વાડીમાં મુકવા ગયા હતા. તેમજ હત્યા બાદ પકડાયેલા ઈસમોના ઈશારે વાડીમાં પડેલો શૂટરોનો સરસામાન સગેવગે કરવામાં મદદ કરી હતી. આરોપીઓએ શૂટરનો કેટલો સામાન બાળી નાખવા સહિત નદી કિનારે ફેંકી આવી પુરાવાઓ નાશ કરવાની ભૂમિકા ભજવી હતી. ફરાર શાર્પ શૂટરને ઝડપી પાડવા LCB, SOG ની ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. પકડાયેલા ત્રણેય ઈસમો પૈકી 2 પર અગાઉ પણ આર્મ્સ એક્ટ, દારૂની મહેફિલ જેવા કેસ ડુંગરા પોલીસ મથકમાં નોંધાયા છે.
નવસારી જેલ હવાલે: ઉલ્લેખનીય છે કે, શૈલેષ પટેલની હત્યામાં આ અગાઉ પોલીસે શાર્પ શૂટરો પાસે અંગત અદાવતમાં સોપારી આપી હત્યા કરાવનાર કોચરવા ગામ, દમણ, વાપીના શરદ ઉર્ફે સદીયો દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામિત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી છે. આ હત્યા માટે શાર્પ શૂટરોને 19 લાખની સોપારી અપાઈ હતી. જેઓના 5 દિવસના રિમાન્ડ પુરા થતા તેને નવસારી જેલ હવાલે કરવામાં આવ્યા છે.