દમણઃ કેન્દ્ર સરકારના દિશાનિર્દેશથી જિલ્લામાં ઔદ્યોગિક એકમો અને મચ્છીમારીને છૂટ આપવામાં આવી છે. ત્યારે ઔદ્યોગિક એકમના પ્રતિનિધિઓ ઓનલાઈન આવેદન કરી કંપનીના સંચાલન માટે પરવાનગી પ્રાપ્ત કરી શકશે. તેમ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ઉદ્યોગો અને મચ્છી મારીને કેટલીક શરતોને આધીન છૂટ આપવામાં આવી છે.
જેમાં ઉદ્યોગોમાં કામ કરતા જિલ્લાથી બહારના કર્મચારીઓને પરવાનગી આપવામાં નહીં આવે. તેમજ ઓનલાઇન રજીસ્ટ્રેશનમાં વિવિધ જરૂરી વિગતો ભરી રજીસ્ટ્રશન કરવાનુ રહેશે. જે એકમોને પરવાનગી આપવામાં આવી હશે તેમને ઓનલાઇન પરવાનગી તેમજ કામદારો માટેના કાર્ડ અપાશે.
જિલ્લાના લોકોના સહયોગના કારણે અત્યાર સુધી જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં આવતા સરકારે જિલ્લાને ગ્રીન ઝોનમાં રાખ્યો છે. જેના કારણે ઔદ્યોગિક ગતિવિધિ માટે પરવાનગી પ્રદાન થઇ રહી છે. જ્યારે જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો તથા શાકભાજીની દુકાનોનો સમય સવારના આઠ વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રહેશે અને લોકડાઉનનું પણ સખતાઈથી પાલન કરવામાં આવશે.
લોકડાઉન દરમિયાન દમણથી કુલ 83 લોકોની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 67 નેગેટિવ આવ્યા છે. અને 16 નો રિપોર્ટ આવવાનો બાકી છે. જિલ્લામાં કુલ 260 લોકોને હોમકોરોન્ટાઇનમાં રખાયા છે. 39 લોકોને ફેસીલીટેટ કોરોન્ટાઇન તથા 103 લોકોને અલગ અલગ જગ્યા પર યોગ્ય તપાસ કરવામાં આવી છે. તેમજ કલેક્ટરે અફવા નહીં ફેલાવવા પણ અનુરોધ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા વિક્રમજીત સિંહના જણાવ્યા મુજબ લોકડાઉનમાં અત્યાર સુધીમાં 9 એફ.આઈ.આર કરવામાં આવી છે. તેમજ 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને 400 થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.