- 2020માં બે અલગ પ્રદેશ એક પ્રશાસન હેઠળ આવ્યા
- કોરોના મહામારીમાં પ્રશંસનીય કામગીરી
- રાજકારણ ક્ષેત્રે સતત સમાચારોમાં ચમકતું રહ્યું
સેલવાસ/દમણઃ વલસાડ જિલ્લાની જેમ દાદરા નગર હવેલી અને દમણમાં પ્રથમ મહિનો હત્યા અને ચોરીનો મહિનો રહ્યો. કોરોના વાઈરસને લઈને સૌપ્રથમ દાદરા નગર હવેલીમાં અને દમણમાં આરોગ્ય વિભાગે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી આગોતરું આયોજન કર્યું. સેલવાસમાં જવાહર નવોદય વિદ્યાલયના 494 બાળકોમાંથી 23 બાળકોને ફૂડ પોઇઝનિંગ થતા પ્રશાસન દોડતું થયું. બે યુવાનો પર ફાયરિંગ કરાવી મોતને ઘાટ ઉતારી દેવાના કેસમાં દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ પટેલને દમણ પોલીસે ચંદીગઢથી દબોચી લીધો હતો. કોરોના વાઈરસને પગલે વધુ કમાણીની લાલચમાં ડુપ્લીકેટ અને ગેરકાયદેસર હેન્ડ સેનિટાઈઝર, માસ્કનો જથ્થો ઝડપાયો હતો.
રાષ્ટ્રપતિએ દમણની મુલાકાત લીધી
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દમણ અને સેલવાસની મુલાકાતે આવ્યાં હતાં. કરોડોના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહરત કર્યા. દમણમાં 2જી માર્ચે સલીમ મેમણ બારવટીયા નામના પૂર્વ કાઉન્સિલરની 5 જેટલા ઈસમોએ અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસથી ગુમ થયેલા વિદ્યાર્થીને સેલવાસ પોલીસ નેપાળ બિહારની સરહદ પરથી પરત લાવવામાં આવ્યાં હતાં.
કામદારોને પગરભથ્થા અપાવ્યા
કોરોના વાઈરસને કારણે લોકડાઉન લાગતા તમામ સરહદો સિલ કરી. હજારો કામદારો વતન જવા તલપાપડ બન્યા. જેઓને પ્રશાસને ફૂડ પેકેટ્સ આપી. કંપનીઓમાંથી પગરભથ્થા અપાવ્યા. બહારથી આવનારા તમામને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યાં . સંઘપ્રદેશ દાદરા નગર હવેલીથી નેપાળ યાત્રા પર ગયેલા તમામ 46 લોકો સેલવાસમાં પરત ફર્યા, પ્રદેશમાં સુરક્ષા બંદોબસ્ત સાથે હેન્ડ સેનિટાઈઝર, માસ્કનું વિતરણ કર્યું.
ગુજરાતના સરહદી ગામડાના લોકો સાથે કઠોર વર્તન
વલસાડ જિલ્લાના અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેેેલા ગુજરાતના નગર અને રાયમલ નામના આદિવાસી ગામના લોકોએ લોકડાઉનમાં સરકારી અનાજ માટે ફાંફા મારવા પડ્યા પ્રશાસનની કઠોરતાને કારણે ગુજરાતમાંથી સહાય મેળવી શકવા અસમર્થ બન્યા. એવામાં જ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો. જે બાદ ICMR(ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા કોવિડ-19ના વાઈરસને ચેક કરવા લેબોરેટરીની મંજૂરી આપી.
લોકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવ્યા
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ વહીવટીતંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે કેટલાક કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણય મુજબ પ્રદેશમાં કોઈપણ જાહેર સ્થળે પાન, ગુટકા અથવા કોઈપણ પ્રકારની થૂંકવાની મનાઈ ફરમાવી દારૂના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
દરિયા કિનારો સુનો બન્યો
દમણ-સેલવાસમાં ઉનાળાના વેકેશનમાં લાખો પ્રવાસીઓ સાહેલગાહે આવતા હતા તે તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લાગ્યો. હોટેલો અને દરિયા કિનારો પ્રવાસીઓની ચહલપહલ વિના સુનો બન્યો હતો.
ગુજરાતના સરહદી ગામના લોકોએ આક્રોશ ઠાલવ્યો
કોરોના મહામારી સામે સતત પોતાના જીવનની પરવા કર્યા વગર દર્દી નારાયણની સેવા કરી રહેલા ડોકટર્સ, નર્સ અને પેરામેડિકલ સ્ટાફ પર કોસ્ટગાર્ડ દ્વારા ચેતક હેલિકોપ્ટરથી ફુલવર્ષા કરી પ્રોત્સાહિત કર્યા તો સંઘપ્રદેશ દમણની સરહદથી ઘેરાયેલા ગુજરાતના કુંતા-વટાર ગામના લોકોએ હોબાળો મચાવ્યો હતો. દમણ પ્રશાસન સમક્ષ દમણમાં આવાગમન માટે સરહદ ખોલી દેવા ઉગ્ર રજુઆત કરી.
42 દિવસે દારૂના વેચાણની પરમિશન આપી
લોકડાઉનમાં વતન જવાની જીદમાંં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલા ભીલોસા અને અન્ય કંપનીઓના કામદારોએ રસ્તા ઉપર આવી પોતાનો આક્રોશ ઠાલવતા સંઘપ્રદેશ પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. લોકડાઉનના 42માં દિવસે પ્રદેશમાં દારૂના વેચાણની પરવાનગી આપતા વાઇનશોપ પર દારૂ લેવા લાઈનો લાગી.
કામદારોને વતન વાપસી કરાવી
કામદારોનો હોબાળો જોતા કામદારોને ‘શ્રમિક સ્પેશિયલ ટ્રેન’ દ્વારા વતન વાપસી માટે કેમ્પના આયોજનો કર્યા. ભારે વરસાદમાં એક નિર્માણાધિન કંપનીની દીવાલ ધરાશાઈ થતા દીવાલમાં દબાઈને 5 મજૂરના મોત નિપજ્યા હતાં.
મોહન ડેલકરે JDUને સમર્થન આપી જીત અપાવી
કોરોના મહામારી વચ્ચે પૂરતી સુરક્ષાને ધ્યાને રાખી દાદરા નગર હવેલીમાં 2જી ઓગસ્ટ મુક્તિ દિવસની ઉજવણીમાં જનતાને આમંત્રણ આપવાને બદલે યૂટ્યૂબ પર LIVE પ્રસારણ કરી ઉજવણી કરી. જેમાં અપક્ષ સાંસદને પ્રજાજોગ સંદેશથી દૂર રાખી અપમાનિત કર્યા. જે બાદ અપક્ષ સાંસદ મોહન ડેલકરે JDU ને સમર્થન આપી જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને સેલવાસ જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત કબ્જે કરી. જ્યારે નગરપાલિકામાં અને દમણ જિલ્લા પંચાયત ભાજપે કબ્જે કરી. દમણના યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે JDU અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર સાથે ગઠબંધન કર્યું, દમણ-દિવમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા.
દમણ પોલીસે ATM ફ્રોડ ગેંગનો પર્દાફાશ કર્યો
સેલવાસ પ્રશાસને 19 પેટ્રોલ પંપ સંચાલકોને 104 કરોડની વેટ વસુલી માટે નોટિસ ફટકારી તો સેલવાસમાં પુત્રીના પ્રેમમાં પડેલા કોલેજીયન યુવકની IRBN ના જવાને હત્યા કરી નાખી.
એટીએમ કાર્ડ કે પીન નંબર ચોર્યા વિના જ અન્ય ગ્રાહકના atm નો ક્લોન બનાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. દમણના ઇતિહાસમાં પ્રથમવાર નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એક સાથે યોજાઈ જાહેર સભા પર પ્રતિબંધ લગાવતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે ઉમેદવારો સાથે રાજકીય પક્ષોએ કેટ કેટલીય બેઠકો યોજી ડોર ટૂ ડોર પ્રચાર કર્યો.
કુલ 3007 કોરોના પોઝિટિવ કેસ પણ માત્ર 2 ના જ મોત
ટૂંકમાં રાજકરણના દાવપેચ, કોરોના મહામારીનું લોકડાઉન, ઔદ્યોગિક વિકાસની પડતી સહિતના અનેક પ્રશ્નો સામે સતત લડત ચલાવવામાં સંઘપ્રશાસન માટે વર્ષ 2020 પૂર્ણ થયું છે. જો કે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં કોરોના મહામારી દરમ્યાન દાદરા નગર હવેલીમાં 1632 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ એક દર્દીનું મોત નિપજ્યુ હતું. દમણમાં 1375 પોઝિટિવ કેસમાં પણ એક મૃત્યુ નોંધાયું હોય કોરોના વાઈરસની મહામારીમાં પ્રશંસનીય કામગીરી કરી દેશમાં નામ રોશન કર્યું છે.