શુક્રવારે મોડી સાંજ બાદ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ સમગ્ર વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ આવ્યો હતો. કામોસમી વરસાદથી માત્ર ખેડૂતો જ નહીં પરંતુ વેપારીઓ, કારખાનામાં કામ કરતા કર્મચારીઓ, માછીમારો તમામ લોકો ચિંતામાં મુકાયા છે. દિવાળી બાદ ઠંડીની શરૂઆત થવાને બદલે હજૂ પણ ચોમાસા જેવો માહોલ જળવાઈ રહ્યો છે. જેથી જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે.
છેલ્લા 26 કલાકમાં વલસાડ જિલ્લાના ધરમપુરમાં સૌથી વધુ 87 મિ.મી વરસાદ વરસ્યો છે. કપરડામાં 33 મિ.મી, પારડીમાં 45 મિ.મી, વલસાડમાં 40 મિ.મી, જ્યારે વાપી-ઉમરગામમાં 1થી સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એવી જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ 1થી સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વરસતા વરસાદી ઝાપટાંથી સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
અત્યારસુધીમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 101 ઇંચ, કપરાડા તાલુકામાં સૌથી વધુ 163 ઇંચ, ધરમપુર તાલુકામાં 125 ઇંચ, પારડી તાલુકામાં 117 ઇંચ, વલસાડ તાલુકામાં 115 ઇંચ, વાપી તાલુકામાં 138 ઇંચ, સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં 142 ઇંચ, જ્યારે ખાનવેલમાં 155 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે.