વાપી: ડૉ. મૈત્રી વાપીના જાણીતા આર્કિટેક્ટ મનીષ શાહ અને દર્શના શાહની દીકરી છે. તેણે આપેલા મેસેજમાં લખ્યું છે કે તે #coronapandemic2020 સામેના આ યુદ્ધમાં પોતાની સંપૂર્ણ જવાબદારી સાથે પ્રથમ હરોળમાં ઉભી છે. હોસ્પિટલમાં એક્રેલીક માસ્ક પાછળ તે તેનો ભય અને પરિવારની ચિંતાને છુપાવી પોતાની ફરજ અને જવાબદારી નિભાવી રહી છે.
કોરોના વાઇરસ સામેના આ જંગમાં પ્રથમ હરોળમાં ઉભા રહી હિંમતથી તેનો સામનો કરી રહી છે. આ સમયે તે પોતાના માટે નહીં પરંતુ પોતાની જાતને અન્યોની સેવામાં સમર્પિત કરી રહી છે તેનો તેને ગર્વ છે. આ જ તાકાત છે જે તેને સતત પ્રેરણા આપી રહી છે. આ અમૂલ્ય તક તેને ઘણા વર્ષો બાદ મળી છે. દર્દીઓની સેવા સાથે પોતાને સલામતીનો અહેસાસ થઈ રહ્યો છે અને બીજા માટે કઈંક કર્યાના આત્મસંતોષની લાગણી અનુભવે છે.
મૈત્રી વધુમાં લખ્યું છે કે, હું આ માટે મારાએ સાથીઓનો પણ આભાર માનીશ જેણે મને ડગલેને પગલે દર્દીઓ માટે, માનવતા માટે જીવનના સંઘર્ષમાં સતત પ્રેરણા આપી. આજે મને ડોક્ટર હોવાનો ગર્વ થાય છે. આ હોસ્પિટલમાં ઉભા રહીને જેણે મને પ્રોત્સાહન આપ્યું માર્ગદર્શન આપ્યું તે તમામ સાથીઓ, સિનિયર તબીબોનો ખૂબ ખૂબ આભાર કે તેના થકી કોરોના મહામારીની આ ઘડીમાં મેં મારા જીવનને તબીબ તરીકે સાર્થક કર્યું છે.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના દરેક તબીબને સમર્થન આપનાર દેશના નાગરિકો, કુટુંબીજનો, માતાપિતા અને મિત્રોનો આભાર માનતા મૈત્રીએ "STAY HOME STAY SAFE"નો સંદેશ આપ્યો છે.