સોમવારે સાંજે કુંતા ગામની કાળી ખાડીમાં ઓઈલયુક્ત પાણીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ દોડધામમાં આવેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારોઓએ ખાડીની આગનું નિરીક્ષણ કર્યું હતું. આગને ફાયરના જવાનોએ બુઝાવ્યા બાદ GPCBના અધિકારીઓએ વધુ તપાસ માટે ગામના બોરિંગ અને કૂવાના પાણીના સેમ્પલ લીધા હતા. કુંતા ગામની તબાહી ઉપર છેવટે આગ લાગ્યા બાદ સફાળા જાગેલા અધિકારીઓ દ્વારા આ સેમ્પલ એકત્ર કર્યા છે. જે અંગે આગામી દિવસોમાં ખાડીના કારણે આસપાસના બોરિંગ-કુવાનું પાણી પીવા લાયક છે કે, કેમ અને તેમાં ખાડીની ઓઈલયુક્ત અશુદ્ધિઓ ભળેલી છે કે, નહી કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વલસાડ જિલ્લાનું કુંતા ગામ સંઘપ્રદેશ દમણની સરહદોથી ઘેરાયેલું ગામ છે. ગામ નજીક દમણની પ્લાસ્ટિક અને દારૂ બનાવતી કંપનીઓ આવેલી છે. જેમાંથી દરરોજ હજારો લીટર વેસ્ટ ઓઈલયુક્ત પાણીનો રગડો કોઈ જ નીતિનિયમો વિના સીધો આ ખાડીમાં પધરાવી દેવામાં આવે છે. જેથી કુદરતી વહેણની ખાડી ઓઈલયુક્ત રગડાથી કાળી ખાડીમાં પરિવર્તિત થઈ ગઈ છે. જેમાં સોમવારે લાગેલી આગમાં જળચર જીવોનો પણ સફાયો થયો હતો. જો કે, ગામના યુવાનોએ માનવતા મહેકાવી કાચબા સહિતના કેટલાક જળચર જીવોને બચાવ્યા હતાં.