દમણ : GST કલેક્શનમાં વધારો થાય, GST ની પ્રક્રિયા સરળ બને અને દરેક નાગરિક તેનો લાભ લઇ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન અને રાજ્ય નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીથી રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
GST સેવા કેન્દ્રનું લોકાર્પણ : કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન 7 નવેમ્બરના રોજ વલસાડ જિલ્લાના વાપી તાલુકા ખાતે GST સેવા કેન્દ્ર ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. વાપી જ્ઞાનધામ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના 12 GST સેવા કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 12 જીએસટી સેવા કેન્દ્રમાં અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા, વાપી, મહેસાણા, પાલનપુર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.
10 લાખનું ઈનામ વિતરણ : કેન્દ્ર સરકારના નાણાંપ્રધાન નિર્મલા સીતારામને મેરા બિલ, મેરા અધિકાર યોજનામાં ભાગ લઈ લકી ડ્રોમાં 10 લાખની રકમના વિજેતા બનનાર 6 ગુજરાતીઓને 10 લાખના ચેક આપી અભિનંદન પાઠવ્યા હતા. મેરા બિલ, મેરા અધિકાર અભિયાનમાં બિલ અપલોડ કરી ભાગ લેનાર ગ્રાહકો પૈકી 8 ગ્રાહકોને 10-10 લાખનું ઇનામ આપવાની જાહેરાત બાદ આ યોજનાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. જેમાં 8 વિજેતા પૈકી 6 વિજેતા ગુજરાતના છે. આ વિજેતાઓમાં સ્મિતાબેન જીતેન્દ્રસિંહ રાજ-આણંદ, મિતેશ આંબલિયા-સુરત, હર્ષદભાઈ પટેલ ચિરોડા-અમદાવાદ, રોહિતભાઈ રાઠોડ-ભુજ, પુનિતભાઈ શર્મા-અમદાવાદ, અતુલભાઈ સોમાણી-અમદાવાદનો સમાવેશ થાય છે.
બાયોમેટ્રિક GST રજીસ્ટ્રેશન સુવિધા : જીએસટીની સેવાને સરળ અને વધુ સુદઢ કરવાના હેતુ સાથે વાપીમાં બાયોમેટ્રિક જીએસટી રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યના નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ, કેન્દ્ર અને રાજ્યના GST વિભાગના અધિકારીઓ, વલસાડ જિલ્લા ઉપરાંત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશમાં GST રિફોર્મ : પોતાના સંબોધનમાં નિર્મલા સીતારામને દેશમાં GST રિફોર્મ બાદ આવેલા ફેરફારો અને સરકારની આવકમાં થઈ રહેલી અસર અને વધારાને લોકો સમક્ષ મુક્યો હતો. સાથે જ ગુજરાતમાં જીએસટી રીફોર્મ માટે થઈ રહેલા રાજ્યના નાણાં વિભાગના પ્રયાસોને પણ કેન્દ્રીય નાણાપ્રધાને બિરદાવ્યા હતા.
જનતા જોગ અપીલ : નિર્મલા સીતારામને કહ્યું હતું કે, દેશના અન્ય રાજ્યોએ પણ ગુજરાતના આ પ્રયાસનું અનુકરણ કરવું જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મેરા બિલ મેરા અધિકાર યોજનાથી થયેલા ફાયદા અંગે પણ નિર્મલા સીતારામને વ્યાપારીઓને ગ્રાહકોને જણાવી ખરીદીનું ટેક્સ સાથેનું બિલ આપવા કે લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે વાપીની વિવિધ શાળાના બાળકોને ચંદ્રયાનની કૃતિ ભેટ આપી હતી. વાપીના ઉદ્યોગકારોએ નિર્મલા સીતારમનનું સ્વાગત કરી આવકાર્યા હતા.