દમણઃ વાપીં રવિવારે ડુંગરા વિસ્તારમાં એક ડમ્પર ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિ-પત્નીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. અકસ્માતની ઘટનાને પગલે મૃતકના સ્વજનોએ ડમ્પર ચાલક સામે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સમગ્ર ઘટના અંગે મળતી વિગતો મુજબ રવિવારે 11 વાગ્યા આસપાસ ડુંગરા વિસ્તારમાં આવેલા લેકવ્યુ રો-હાઉસમાં રહેતા પરશુભાઈ ટંડેલ તેમના પત્ની કૈલાશબેન સાથે પોતાની સોસાયટીમાંથી બહાર મુખ્ય માર્ગ પર નીકળ્યા હતાં, તે દરમ્યાન પાછળથી આવતા ડમ્પર ચાલકે બંનેને અડફેટે લીધા હતાં.
અકસ્માતની આ ઘટનામાં ડમ્પરના પાછળના વ્હીલ બને પતિપત્ની પર ફરી વળતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મૃતક પરશુભાઈ ટંડેલ કેમિકલનો બિઝનેસ કરતા હતાં. તેમના પત્ની પણ મચ્છીનો વેપાર કરતા હતાં. સંતાનમાં તેમને 3 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં 2 દીકરીઓ લંડનમાં રહે છે,ત્યારે આ સુખીસંપન્ન પરિવારના માતા-પિતા કાળનો કોળિયો બની જતા દંપતીના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
હાલ સમગ્ર ઘટના અંગે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે,જ્યારે મૃતક દંપતીના મૃતદેહને હરિયા હોસ્પિટલ અને ત્યાંથી ચલા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને કોલ્ડસ્ટોરેજમાં રાખવા માટે લઈ જવાયા છે.