સંઘપ્રદેશ દમણમાં ટ્રાફિક સમસ્યા માટે સૌથી વધુ બદનામ એવા ડાભેલ સોમનાથ રોડ પર હજુ થોડા મહિના પહેલા જ માર્ગ પર વાહનો પાર્ક કરવા બદલ PWD વિભાગે ડિ-માર્ટ મોલને નોટિસ પાઠવી હતી. પરંતુ, હાલ આ જ મુખ્ય માર્ગ પર ફરી આડેધડ પાર્કિંગ શરૂ થયા છે. નોટિસ પાઠવ્યાના થોડાક દિવસ સુધી આ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સુધરી હતી. તેવામાં ડિ-માર્ટની બાજુમાં જ આવેલી પાર્કસન્સ કંપનીની બહાર માર્ગની નજીક જ વાહનચાલકોએ વાહનો પાર્ક કરવાનું શરુ કરી દેતા ફરીથી ટ્રાફિક સમસ્યા વકરી હતી.
એક તરફ પ્રશાસક દમનને સ્માર્ટ સીટી બનાવવાના સપના જોઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ દમણમાં ટ્રાફિકની સમસ્યાનો કોઈ નિવેડો જ લાવવામાં આવતો નથી. તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવીને હાથ ખંખેરી નાખવામાં આવે છે. નોટિસના થોડાક દિવસ બાદ ફરી સ્થિતિ હતી તેવી થઇ જાય છે, ત્યારે વાહન ચાલકો માટે અવરોધ ઉભા કરતી ટ્રકોને હટાવવામાં આવે અને કંપની સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ છે..