વાપી: શૌર્યવાન ભાવી પેઢીનુ નિર્માણ કરવા હિન્દૂ સમાજ ની જન જાગરણ કરવાના હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા સંપૂર્ણ દેશભરમાં શૌર્ય જાગરણ યાત્રા નીકળી રહી છે. જેના ભાગ રૂપે સંપૂર્ણ વલસાડ વિભાગની યાત્રા ડાંગ ના શબરી ધામથી નીકળી ડાંગ, નવસારી, વલસાડ જિલ્લા, દમણ, સેલવાસમાં ફરી શુક્રવારે વાપી પહોંચી હતી. ત્યાં વિરાટ ધર્મસભામાં ફેરવાયા બાદ તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
શૌર્ય જાગરણ યાત્રાનું સમાપન: વાપીમાં ગુંજન વિસ્તારમાં આવેલ વંદે માતરમ ચોક ખાતે શુક્રવારે વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ દ્વારા આયોજિત શૌર્ય જાગરણ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા સંતો, રાજકીય આગેવાનો, VHP, બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં VHP ના ધર્મપ્રસાર સંયોજક ધર્મેન્દ્ર ભવાણીએ તેજાબી પ્રવચન આપ્યું હતું.
હિન્દુ નેતાની જરૂર: VHP ના ધર્મપ્રસાર સંયોજક ધર્મેન્દ્ર ભવાણીએ જણાવ્યું હતું કે, "2000 વર્ષ પહેલા ભારત શૌર્ય, શિક્ષા, આરોગ્યનું સંપૂર્ણ કેન્દ્ર હતું. જે ફરી પાછું બને જે માટે દેશના હિન્દુ યુવાનો જાગૃત થાય, ભારત ફરી હિન્દુ રાષ્ટ્ર બને તેવા વિવિધ સંકલ્પ સાથે આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં અનેક હિન્દુ દીકરીઓ લવજેહાદનો શિકાર બની રહી છે. તેમને ઉગારવા બજરંગ દળ,VHP પ્રયત્નો કરે છે. VHP દ્વારા હિન્દુ યુવાનો માટે ચલાવતા શૈક્ષણિક કાર્યની રૂપરેખા રજૂ કરી હિન્દુ નેશન માટે હિન્દુ નેતાની જરૂર હોય નરેન્દ્ર મોદીને ફરી દિલ્હીની ગાદી પર બેસાડવા આહવાન કર્યું હતું.
ધર્મવાદ જોઈએ: પોતાના તેજાબી પ્રવચનમાં કાર સેવક અને VHP ના ધર્મપ્રસાર સંયોજક ધર્મેન્દ્ર ભવાણીએ બિન હિંદુઓ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો જરૂરી છે. ઉપસ્થિત શ્રોતાઓને તેમણે બેટી બચાવો, બહુ લાવોનો નારો આપી દેશમાં ક્યાંય ધર્માંતરણ નહિ થવા દઈએ, ધર્માંતરિત થયેલાઓને સ્વધર્મમાં લાવવા કામ કરશે. દેશમાં હવે ભાષાવાદ, જાતિવાદ નહિ રાષ્ટ્રવાદ અને ધર્મવાદ જોઈએ છે. હિન્દુ પરંપરા ટકાવવા જો નરેન્દ્ર મોદીને ફરી દિલ્હીની ગાદી પર નહિ બેસાડીએ તો વલી, કરીમ, સલીમ એંથોનીની ઔલાદ બેસશે તેવી ટકોર કરી હતી.
શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવે: ઉલ્લેખનીય છે કે, શૌર્ય જાગરણ યાત્રાનું સમાપન નિમિત્તે વિરાટ ધર્મસભામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પૂરતા સાધનો સાથે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચાંપતી નજર રાખી હતી. ધર્મસભામાં વલસાડ ભાજપના જિલ્લા અધ્યક્ષ હેમંતભાઈ કંસારા, વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના અધ્યક્ષ સતીશ પટેલ, પૂર્વ અધ્યક્ષ વિ.હિ.પ. વલસાડના મેહુલસિંહ પરમાર, કારસેવક શિવજી મહારાજ, કથાકાર પ્રફુલ શુક્લ, રાજકીય આગેવાનો, વલસાડ, નવસારી, ડાંગ જિલ્લાના VHP, બજરંગ દળ ના પ્રમુખ, સંયોજક, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.