વાપીઃ ચલા-દમણ રોડ પર બાલાજી ટાવર, નંદન સોસાયટી, શુભમ ટાવર સહિતના સોસાયટીઓમાં રહેતા રહેવાસીઓએ સ્થાનિક સભ્ય મનીષા દાયમાંની આગેવાનીમાં પાલિકાના પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ સાથે મુલાકાત કરી અને તેમની સાથે મળી જાહેર બાંધકામ વિભાગના ડેપ્યુટી ઇજનેર જતીન પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ વિસ્તારમાં તેમની સોસાયટીના માર્ગ પર રોજ ગંભીર અકસ્માતો પર ચિંતા વ્યક્ત કરી તેને રોકવા માટે યુ ટર્ન વાળા માર્ગ પર અવરોધક સંકેતો અને બમ્પર સહિત સૂચના બોર્ડ લગાવી જરૂરી પગલાં લેવાની માંગ કરી હતી.
આ વાહનચાલકોને રોંગ સાઇડથી યુ ટર્ન ન મારવાની અપીલ પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એક સમયે આ મુખ્ય માર્ગ પર ગણતરીના સ્થળો પર જ સોસાયટીઓમાં જવા માટે ફાંટા રાખ્યા હતાં. પરંતુ, આ પોશ એરિયા હોય દરેક સોસાયટીના લોકોએ પોતાની સોસાયટી માટે ફાંટા માંગ્યા હતાં. જેથી આ માર્ગ પર અનેક ફાંટા પાડવામાં આવ્યા છે અને સ્પીડ બ્રેકર સહિત સૂચના બોર્ડ કે ઝેબ્રા આપવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં વાહનચાલકો બેફામ વાહન ચલાવતા હોય અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ માસમાં 10 જેટલા નાનામોટા અકસ્માતો આ માર્ગ પર થયા છે.