ગુરુવારે દમણ મ્યુનિસિપલ કાઉન્સીલની ટીમે ફરી C ફેસ રોડ પરની હૉટલોનું ચેકીંગ હાથ ધર્યુ હતું. હૉટલ સોંવરીન, હૉટલ ગુરુકૃપા, હૉટલ બ્રાઇટન સહિતની 11 હૉટલોની વીજળી કાપી નાખી હતી. DMCના આદેશોને ઘોળીને પી જતી આ હૉટલોએ પોતાના રસોડા અને શૌચાલયોના ગંદા પાણીની લાઈન પાલિકાની સ્ટોર્મ વોટર ડ્રેનેજની લાઈન સાથે જોડી દીધી હતી. જેના કારણે આ ગંદુ પાણી ટ્રીટ થયા વગર ડ્રેનેજ લાઇનમાં થઇને સીધું દરિયામાં ભળી જતું હતું.
આ અંગે DMCએ તમામ હૉટલોને પોતાનો STP અને ETP પ્લાન્ટ નાખવાનો પણ આદેશ કર્યો હતો. ત્યારે હૉટલોના માલિકો STP/ETP પ્લાન્ટ નાખ્યા હોવાનું પાલિકાને મૌખિક રીતે જણાવ્યું હતું. પણ ખરેખર તો હૉટલના માલિકો તંત્રને મૂર્ખ બનાવી ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં છોડતાં હતા. આમ, હૉટલના માલિકોએ આદેશ કાને ધર્યો નહોતો હતો. જેથી હૉટલ સંચાલકો સામે પાલિકાએ કડક પગલાં લીધા હતાં.
પાલિકાએ C ફેસ રોડ પર આવેલી તમામ હૉટલના વીજ કનેક્શનો કાપી નાખ્યાં હતાં. જિલ્લા કલેક્ટર અને મેમ્બર સેક્રેટરી રાકેશ મીનહાસે 11 જેટલી હૉટલોનાં દૂષિત પાણી વરસાદી પાણીની લાઇનમાં છોડવા પર સખ્ત કાર્યવાહી કરી હતી. તેમજ આવનારા સમયમાં દરેક હૉટલ સંચાલકને પોતાની હૉટલોમાં STP/ETP પ્લાન્ટ નહીં નાખે તો, ફરીથી દંડ ભરવા માટે તૈયાર રહેવાની ચેતવણી પણ આપી હતી.