- દમણના સાંસદ લાલુભાઈ પટેલે કર્યું મતદાન
- ભાજપની જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ
- કાચીગામ મતદાન કેન્દ્ર પર કર્યું મતદાન
દમણઃ સંઘ પ્રદેશમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા, ગ્રામ પંચાયતના ચાલી રહેલા મતદાનમાં સાંસદ લાલુભાઇ પટેલે પત્ની સાથે ગ્રામ પંચાયત કાચીગામ મતદાન બુથ પર મતદાન કર્યું હતું. સાંસદ લાલુભાઈએ ભાજપની તમામ બેઠકો વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.દમણમાં ચૂંટણીને લઈને પક્ષ-વિપક્ષ અને તેમના નેતાઓએ પોત પોતાની સીટ પર જીતવા માટે ખૂબ જ મહેનત કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જીતવા માટે ઉમેદવારો સાથે રાજકીય પક્ષોએ અનેક બેઠકો યોજી તેમજ ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. જે બાદ રવિવારે વહેલી સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો જોવા મળી રહી છે. જે અંતર્ગત દમણના સાંસદ લાલુભાઇ પટેલે પત્ની તરૂણાબેન સાથે કાચીગામ ગ્રામ પંચાયતની શાળામાં આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતું.
સાંસદ લાલુભાઈએ મતદાન કર્યા બાદ લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોવાનું જણાવ્યુ હતુ, આ સાથે કહ્યુ હતુ કે, દરેક મતદારને મતાધિકારનો અધિકાર હોય તેનો ઉપયોગ કરવો જોઈએ. લાલુભાઇએ દમણ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની તમામ સીટ પર ભાજપ વિજય બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પાલિકાના વોર્ડ માટે 51 ઉમેદવારો મેદાનમાં
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ,જેડીયુ એલાયન્સ અપક્ષ સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. દમણમાં આ વખતની ચૂંટણીમાં પાલિકાના વોર્ડ માટે 51 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જેમાં વોર્ડ નંબર 9માં સૌથી વધુ સાત ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. દમણ જિલ્લા પંચાયતની કુલ 16 ગ્રુપ, ગ્રામ પંચાયતના સરપંચ માટે 41 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે વોર્ડના સભ્યો માટે 199 ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ 38 ફોર્મ મરવડ પંચાયતમાં સભ્યો માટે ભરાયા છે.
મતદારોમાં મતદાનની ઉત્સુકતા
ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો માટે કુલ 240 ફોર્મ ભરાયા છે. તો દમણ જિલ્લા પંચાયતની 16 બેઠક માટે 72 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં સૌથી વધુ ડાભેલ બેઠક ઉપરથી 07 ઉમેદવારો મેદાનમાં છે. આજના મતદાનને લઇને તમામ મતદાન કેન્દ્ર પર મતદારોમાં મતદાન કરવા માટેની ઉત્સુકતા જોવા મળી રહી છે.