- ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ
- 14 વર્ષથી કરે છે રક્તદાન શિબિરનું આયોજન
- 300 બોટલ રક્ત એકત્રિત કરવાનો નિર્ધાર
વાપી : વાપીમાં વર્ષોથી ઉત્તર ભારતના લોકો વસવાટ કરી રહ્યા છે. વલસાડ જિલ્લાને પોતાની કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય સમાજ દર વર્ષે મહારક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષે પણ વાપીના VIA હોલ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટના બેનર હેઠળ આયોજિત 14માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ઉત્તર ભારતના વિવિધ સમાજના આગેવાનો, દાતાઓએ ઉપસ્થિત રહી પોતાના રક્તનું દાન કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા 300 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર સેવ્યો હતો.
વાપીના ઉદ્યોગપતિઓ-કામદારો ઉપસ્થિત રહ્યા
રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને સર્ટિફિકેટ આપી સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં વાપીના જાણીતા ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓની ઉપસ્થિતિમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
રક્તની ઘટ નિવારવા આયોજન
રક્તદાન કેમ્પના ઉદેશ્ય અંગે ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો ઉત્તર ભારતીય સમાજના લોકો માટે કર્મભૂમિ છે. ત્યારે જિલ્લામાં વર્તાઈ રહેલી રક્તની અછતને પુરી કરવા દર વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે આ 14મો રક્તદાન કેમ્પ છે. જેમાં પણ મોટી સંખ્યામાં રક્તનું દાન કરનારા દાતાઓ ઉપસ્થિત રહ્યા છે.