મેંગલુરુ: કર્ણાટકના ઉલ્લાલ નગરમાં રવિવારે એક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ત્રણ યુવતીઓ ડૂબી જવાથી મૃત્યુ પામી હતી. પોલીસે જણાવ્યું કે ત્રણેય યુવતીઓ મૈસુરની રહેવાસી છે. તેમની ઓળખ નિશિતા એમડી (21), પાર્વતી એસ (20) અને કીર્થના એન (21) તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટના મેંગલુરુ નજીક ઉલ્લાલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સોમેશ્વર ગામમાં સ્થિત વાજકો રિસોર્ટમાં બની હતી. તેમણે જણાવ્યું કે ત્રણેય યુવતીઓ શનિવારે મૈસૂરથી ઉલ્લાલ નગર ફરવા માટે પહોંચી હતી અને રિસોર્ટમાં રોકાઈ હતી. ત્રણેય રવિવારે સવારે સ્વિમિંગ પૂલમાં પ્રવેશી હતી.
યુવતીઓએ પોતાના સ્વિમિંગનો વીડિયો બનાવવા માટે મોબાઈલને રેકોર્ડ મોડમાં રાખ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ દરમિયાન એક યુવતી ડૂબવા લાગી અને બીજી યુવતી જે તેને બચાવવા આગળ આવી તે પણ ડૂબવા લાગી. આ રીતે ત્રણેય યુવતીઓ સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મૃત્યુ પામી હતી.
આ ઘટના સીસીટીવીમાં કેદ
યુવતીઓના ડૂબી જવાની ઘટના રિસોર્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે જણાવ્યું કે આ રિસોર્ટ મનોહર નામના સ્થાનિક વ્યક્તિનું છે. ઉલ્લાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચએન બાલકૃષ્ણની આગેવાની હેઠળની પોલીસ ટીમે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો: