સમગ્ર વીડિયો અંગે મળતી વિગતો મુજબ અને વીડિયોમાં રોષ ઠાલવતા યુવકને સાંભળતા એવું જણાઈ આવે છે કે, દમણમાં છેલ્લા થોડા દિવસથી દરિયા કિનારા પર જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ માટે જાહેરમાં દારૂ પીતા પ્રવાસીઓને રોકવા માટે ખાસ પોલીસ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
આ માટે એક પોલીસ ટીમે બહારથી દમણમાં ફરવા આવેલા એક પ્રવાસી ગ્રુપને દરિયા કિનારા પરથી ચાલ્યા જવા અને દારૂ નહીં પીવાની સૂચના આપ્યાં બાદ યુવકોએ તેમની સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલી દરમિયાન એક પોલીસ કર્મચારીએ એક યુવકને લાકડીનો ફટકો મારતા યુવક પડી ગયો હતો અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહીલુહાણ બન્યો હતો.
ગંભીર ઈજાઓ થતા પ્રવાસી યુવક અને તેના મિત્રો પોલીસ પર ગુસ્સે ભરાયા અને લાકડી કેમ મારી તેમ કહી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. યુવકોના ગુસ્સાને ધ્યાને લઇ દમણ પોલીસના કર્મચારીઓ પણ મામલાને ઠંડો પાડવાને બદલે વધુ રોષે ભરાતા મામલો વધુ બીચક્યો હતો. આ દરમિયાન પોલીસ અધિકારીની ગાડી આવતા યુવકોએ લાઠી કેમ મારી તેમ કહી પોલીસની ગાડી આગળ રસ્તા પર સુઈ ગયો અને મારા ઉપર ગાડી ચલાવી દો, તેમ કહી રોષ ઠાલવ્યો હતો.
વીડિયોમાં આ યુવક એવું પણ કહે છે કે, દારૂ પીધો હોય તો મારા મોઢામાં મશીન નાખીને ચેક કરો. મને થપ્પડ મારી હોત તો ચાલત પણ લાકડી કેમ મારી તે ઉપરાંત યુવક પોતાની સફાઇમાં એવું પણ કહે છે કે, તેનો ભાઈ આર્મીમાં છે, તેના પિતા ટીચર છે અને તેમના દાદા ડોક્ટર હતા.
હાલ આ વીડિયો દમણ સહિત વલસાડ જિલ્લાના વિવિધ વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થયો હાવાથી દમણ પોલીસને નીચાજોણું સહન કરવું પડ્યું છે. આ વિડિયો અંગે દમણ પોલીસે કોઈ જ ખુલાસો કર્યો નથી.