દમણ: પર્યટન સ્થળ તરીકે જાણીતા સંઘપ્રદેશ દમણમાં કોરોના મહામારીને કારણે પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેેને પગલે દરિયા કિનારાની સ્વચ્છતા અંગે પણ જાળવણીનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. નાની દમણના સી-ફેસ જેટી બીચ, દેવકા બીચ, મોટી દમણના લાઈટ હાઉસ, જામપોર બીચ કોરોના મહામારીને પગલે સૂના બનતા અહીં દરિયાઈ ભરતીમાં તણાઈ આવેલા અને શહેરીજનોએ ઠાલવેલા કચરાના ઢગ ખડકાયા છે. જેની સફાઈ કરનારુ કોઈ જ નથી.
તંત્ર દ્વારા એક તરફ કરોડોના ખર્ચે અહીં મુંબઇના મરીન ડ્રાઈવ જેવી સુંદરતા ઉભી કરવામાં આવી છે, એ જ પ્રશાસન હવે આ કચરાના ઢગમાં પરિવર્તિત થયેલા સમુદ્ર કિનારાની અવગણના કરી રહ્યું છે. સામાન્ય દિવસોમાં વારે તહેવારે સ્વચ્છતા અભિયાનના અહીં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ સાથે મળી હાથમાં ઝાડુ લઈ સ્વચ્છતા અભિયાન આરંભતા હતા. અનેક તહેવારો દરમિયાન અહીં સ્વચ્છતા કાર્યક્રમોનું પણ આયોજન થતું હતું, પરંતુ આ તમામ અધિકારીઓ હવે કોરોના મહામારીને લઇને દમણના દરિયા કિનારા વિસરી ગયા છે, જથ્થાબંધ કચરાના ઢગની દુષ્કર પરિસ્થિતિ જોઇને નગરજનો પણ વસવસો ઠાલવે છે.
દમણનો દરિયા કિનારો પ્રવાસીઓ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ હાલ પ્રવાસીઓ વિના સૂનો બનેલો આ દરિયાકાંઠો હવે ધીમે ધીમે ગંદકીનું ધામ બની રહ્યો છે, જેને સાફ ન કરવામાં આવે તો કદાચ કોરોના બાદ આ ગંદકીથી શહેરમાં વધુ એક મહામારી ફેલાશે.