વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળના કાર્યકરોએ ગાયો માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. ચોમાસામાં માર્ગ પર બેસી જતા ગાયોને કારણે અનેક અકસ્માત થતા હોય છે. તો ઘણી વખત મોટા વાહનો ગાયોને અડફેટે લેતા તેના મોત નિપજતા હોય છે. આ અંગે સમાજમાં જાગૃતિ આવે તેવા શુભ આશ્રયથી રસ્તા પર બેસી રહેતી ગાયો વાહન ચાલકોને દૂરથી નજર આવે અને અકસ્માત ટળે તે માટે તમામ મુખ્ય રસ્તાઓ પર બેસેલી ગાયોના શીંગડા પર રેડિયમ પટ્ટી લગાવવનું અભિયાન હાથ ધરાયું હતું.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ માર્ગ પર 7 ગાયોને કતલખાને લઇ જતા કસાઈઓ પાસેથી ગામલોકો અને સંગઠનના કાર્યકરોએ મુક્ત કરાવી હતી. બાદમાં પશુ ડોકટર પાસે તેની સારવાર કરાવી હતી. તેમજ પોલીસ વિભાગમાં આવેદનપત્ર આપી આ મામલે પેટ્રોલિંગ વધારવા અને ગ્રામ્ય માર્ગ પર બેરીયર મુકવા કાર્યકરોએ માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ચોમાસામાં ચારેબાજુ કાદવ કીચડવાળી જમીન અને માખી મચ્છરના ઉપદ્રવથી બચવા રખડતા પશુઓ માર્ગ પર અડિંગો જમાવી દેતા હોય છે. ત્યારે આ પશુઓના ટોળા ક્યારેક વાહન ચાલકોનો ભોગ લઈ લેતા હોય છે, તો ક્યારેક મોટા વાહનચાલકો પશુઓનો ભોગ લેતા હોય છે. જે માટે તેમના શીંગડા પર રેડિયમ પેટ્ટી લગાવવાનું અભિયાન પશુઓ અને વાહનચાલકો બંન્ને માટે ખૂબ ઉપયોગી બની શકે છે.