આ અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ સંજાણના મોહમ્મદ ખલિફાએ ફરિયાદ નોંધાવી હતી કે, મહારાષ્ટ્રના તલાસરી તાલુકાના વેવજી ગામનો નરેન્દ્ર છગન ટંકારી લોકોને વર્ક પરમીટ વિઝા પર વિદેશ મોકલે છે. તેવું જાણ્યા બાદ નરેન્દ્રને કેનેડામાં નોકરી માટે પાસપોર્ટ સહિતની કાર્યવાહી માટે ટુકડે ટુકડે 2.10 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ તે બાદ કેનેડા મોકલવાનો બદલે બહાના બતાવતો હતો. આખરે કેનેડાની મિસ્ટર રૂટર કંપની, ફોર્બ્સ ગ્લોબલ 2000 અને ટાઈમ્સ હરટન્સ કંપનીના ખોટા ઓફર લેટર ઇસ્યુ કરી ચિટિંગ કર્યું હતું અને પૈસા પાછા આપ્યા નથી.
નરેન્દ્ર ટંકારીએ આવી જ રીતે અન્ય 10 જેટલા લોકો સાથે પણ ચિટિંગ કર્યું હોય અને તમામ પાસેથી કુલ 20 લાખ ઉપરાંતની રકમ ચાઉ કરી ગયો છે. આ ફરિયાદ આધારે ઉમરગામ પોલીસ અને વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે નરેન્દ્ર ટંકારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નરેન્દ્ર ટંકારીએ ઉમરગામના જ મોહમ્મદ સાલેહ ખલિફા પાસેથી 2.10 લાખ, અલ્તાફ કાદિર કુરેશી પાસેથી 1.90 લાખ, ચંદ્રશેખર સાહેબરાવ ખેંગાર પાસેથી 2.55 લાખ, એઝાઝ અબ્દુલ કુરેશી પાસેથી 2,29,500 રૂપિયા, કેવલ રમણ પટેલ પાસેથી 2,94,346 રૂપિયા, જયનેશ પ્રજાપતિ પાસેથી 2.62 લાખ રૂપિયા, સચિન હોડી પાસેથી 2.46 લાખ, વિનોદ ટંકારે પાસેથી 2.85 લાખ, ભાવેશ વણઝારા પાસેથી 1.30 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી છે. એ ઉપરાંત પારડી તાલુકાના અન્ય 2 વ્યક્તિઓને પણ વિદેશમાં નોકરીની લાલચ આપી પૈસા પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.