સોમવારે હિન્દુ કેલેન્ડર મુજબ શરુ થયેલ વિક્રમ સંવત 2076ના શુભ દિને વાપી જલારામ સંસ્થાન ખાતે જલારામ બાપા, રાધા-કૃષ્ણ, રામ-સીતા-લક્ષ્મણની પ્રતિમા સમક્ષ અવનવા પકવાન, મીઠાઇનો 56 ભોગ અન્નકૂટ ધરાવાયો હતો. મનમોહક મીઠાઇ, વેરાયટીસભર ફરસાણ, પકવાનના અન્નકુટના દર્શન સાથે બાપા પાસે આવનારુ વર્ષ સુખ! શાંતિ અને સમૃદ્ધિ મય વિતે તેવી પાર્થના ભાવિકભક્તોએ કરી હતી.
વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જલારામ બાપા, રાધાકૃષ્ણ, રામ સિતા ઉપરાંત વાપીના અન્ય વિસ્તારોમાં આવેલ મહાદેવ મંદિરે, અંબામાતા મંદિરે જઇ દર્શન કર્યા હતાં. વહેલી સવારથી જ તમામ મુખ્ય મંદિરોમાં ભક્તોની દર્શન માટે ભીડ જામી હતી. સેલવાસમાં પણ સ્વામિનારાયણ મંદિરે આજના દર્શન માટેની વિશેષ વ્યવસ્થા કરી હતી. હરિભક્તોએ ઉત્કૃષ્ટ પ્રકારની મીઠાઈ-વાનગીઓનો અન્નકૂટ ધર્યો હતો.
શહેરના મુખ્ય મંદિરોમાં ધરાવાયેલ અન્નકૂટમાં 70થી લઈને 100 જેટલી વાનગીઓ રખાઇ હતી. જેના દર્શન કરી ભવિક ભક્તો પણ આનંદ વુભોર બન્યા હતા. અને શરૂ થયેલ નૂતન વર્ષ સુખ સમૃદ્ધિમય રહે તેવી મનોકામના માંગી હતી. જલારામ સંસ્થાન ખાતે વહેલી સવારે અન્નકુટ દર્શન સાથે બપોરે 11 વાગ્યે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. તો, 3 નવેમ્બરે જલારામ જયંતિ હોય તે અંગે પણ મંદિર પટાંગણમાં તૈયારીઓ શરૂ કરાઇ હતી.