વાપી: DRIએ પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે વાપી GIDCના વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વાપી GIDCમાં મેફેડ્રોનના ગેરકાયદે ઉત્પાદન સાથે સંકળાયેલ મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી મળી આવી હતી. સુરત અને વલસાડની ફોરેન્સિક્સ સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ માદક દ્રવ્યોમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી લિક્વિડ ફોર્મમાં કુલ 121.75 કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. વધુમાં એક આરોપીના રહેણાંક પરિસરની તલાશી લેતા અંદાજે 18 લાખની ભારતીય કરન્સી મળી આવી હતી.
180 કરોડથી વધુનું ડ્ર્ગ્સ ઝડપાયું: DRI દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ટીમોએ ગઈકાલે 6 નવેમ્બરના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી GIDC વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનું બજાર મૂલ્ય 180 કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
બે અઠવાડિયા પહેલા ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો વિસ્ફોટ કર્યો હતો. આ ઓપરેશનને પરિણામે 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદનમાં છૂપી રીતે સંકળાયેલી આવી 2 લેબ્સ શોધી કાઢવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા આ પ્રકારની બેક ટુ બેક કામગીરીએ કૃત્રિમ દવાઓના વધતા જતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.