- બાઇકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડયો
- દમણથી દારૂ લઈ સુરત જતો હતો યુવક
- પોલીસે 44,600ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી
વાપી : દારૂની હેરાફેરી માટે બુટલેગરો અનેક કિમીયા અજમાવતા હોય છે. જેનો છાશવારે પોલીસ પર્દાફાશ કરતી હોય છે. આવો જ દારૂની હેરાફેરીનો કીમિયો વાપી GIDC પોલીસે શોધી કાઢ્યો છે. પોલીસે બાઇકમાં ચોરખાના બનાવી તેમાં દારૂ છુપાવી સુરત જતા સમાધાન ચુડામન પાટીલની ધરપકડ કરી 96 દારૂના પાઉચ, બાઇક મળી કુલ 44,600નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
બાઈકના ચોરખાનામાં હતા 96 દારૂના પાઉચ
વાપી GIDC પોલીસની એક ટીમ વાપી ચાર રસ્તા પર પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન એક બાઇક ચાલકને પુર ઝડપે આવતા જોઈ પોલીસે તેને અટકાવ્યો હતો. બાઇક ચાલકના નામની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ સમાધાન ચુડામન પાટીલ હોવાનું અને મુળ મહારાષ્ટ્રના જલગાવનો વતની અને હાલ સુરતમાં રહેતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે શંકાના આધારે તેની હોન્ડા યુનિકોન બાઇકમાં તપાસ કરતા ચોરખાના બનાવેલા હતા.જેમાં દારૂના પાઉચ હતાં.
દારૂની હેરાફેરી પકડાઈ ગઈ
જ્યારે બાઇકની બંને સાઈડમાં ટૂલ બોક્ષની જગ્યાએ પણ ચોર ખાના બનાવી તેમાં દારૂ સંતાડયો હતો.પોલીસને તમામ ચોરખાનામાંથી કુલ 9,600 રૂપિયાના 96 દારૂના પાઉચ મળ્યા હતાં. પોલીસે દારૂ, બાઇક, મોબાઈલ સહિતના કુલ 44,600 રૂપિયાના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.