લોકસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીભર્યો માહોલમાં યોજાઈ હતી. વહીવટીતંત્ર અને પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઇ રહેલી આ ચૂંટણી દરમિયાન સૂર્યનારાયણનો પ્રકોપ વધારે હોવા છતાં પણ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા.
દિવસ દરમિયાન મતદાન વેળાએ દાહોદ તાલુકાના મુવાલિયા ગામ તળ બુથ પર મતદાન કરવા આવેલા બચુભાઈ ભુરીયા નામના મતદારને એકાએક છાતીમાં દુખાવો થતા સ્થળ પર ઢળી પડ્યા હતા. જેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
જ્યારે બીજા એક બનાવમાં દાહોદ તાલુકાના દસલા ગામે મતદાન કરવા ગયેલી મહિલાને ચક્કર આવ્યા હતા. બૂથ પરના ચૂંટણી અને મેડિકલ સ્ટાફ દ્વારા મહિલાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ મતદાન કરાવીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કાળઝાળ ગરમી હોવા છતાં પણ મતદારોનો મતદાન કરવાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.