- દાહોદ SOG અને દેવગઢબારીયા પોલીસે 24.45 લાખનો અફીણ ઝડપ્યો
- બે રાજસ્થાનીની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કર્યો
- 27 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
દાહોદ: રાજસ્થાનથી અફીણનો જથ્થો ભરીને દાહોદના ભથવાડા ચેકપોસ્ટ પરથી એક કાર પસાર થવાની હોવાની દાહોદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને બાતમી મળી હતી. જેના કારણે દાહોદ SOGના ઈન્સ્પેકટર બી.આર.સંગાડા તેમજ સ્ટાફના જવાનો અને દેવગઢબારીયા પોલીસે ભથવાડા ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની નંબર વાળી રાજસ્થાન પાર્સીગની મારૂતિ સ્વીફ્ટ કાર આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી ઝાલોર જિલ્લાના સાનચોર ગામના ઓમપ્રકાશ બાબુલાલ સારણ તેમજ સુરજ નાડીયાપાણી ગામના મનોહરલાલ સંગમારામ સારણને ઝડપી પાડ્યા હતા.
બન્ને આરોપીઓની સઘન પુછપરછ કરી કાર્યવાહી
જ્યારે ઝાલોરના હરસવાડા ગામનો દીપારામ ઉધરામ બીસનોઈ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી 24,45,300 ની કિમતનો 24.453 કિલોગ્રામ અફીણનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 15000ની કિંમતના ૩ મોબાઈલ ફોન અને ૩ લાખની ગાડી મળી કુલ 27.60 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને આપવા જતા હતા તેની વિગતો મેળવવા માટે બન્ને આરોપીઓની સઘન પુછપરછ હાથ ધરવા સાથે તેમના કોવિડ ટેસ્ટ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.