દાહોદ: તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં મોડી સાંજે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ ભરતી વેળાએ તૂટી પડતા સાત શ્રમિકો દબાયા હતા. સ્થાનિકોએ મજૂરોને બહાર કાઢી 108 મારફતે નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે શ્રમિકો સ્લેબ નીચે દબાઈ જતા મોત નીપજ્યા હતા. જેના કારણે સમગ્ર ગામમાં માતમ છવાયો હતો.
'રોજમ ગામે દુઃખદ ઘટના બની છે. પાણી પુરવઠાની ટાંકીનું કન્સ્ટ્રકશન કામ ચાલતું હતું. તેના પર 15 લેબર ત્યાં ટાંકી ઉપર હતા. આ ટાંકી ઉપર પાંચ લેબર સ્લેબ પર કામ કરતા હતા. બે નીચે કામ હતા. આ ઘટના બાબતે મામલતદાર અને એક્ઝિટિવ એન્જિનિયરને બંનેને તપાસ માટે પ્રાથમિક સુચના આપવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.' -હર્શિત ગૌસાવી, કલેક્ટર
હોસ્પિટલ ખાતે સારવાર: દાહોદ તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધીન પીવાના પાણીના ટાંકાનો સ્લેબ ભરતી વેળાએ અચાનક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. શ્રમિકોમાં બૂમાબૂમ થતા સ્થાનિકોએ ઇજાગ્રસ્તોને કાટમાળ નીચેથી બહાર કાઢીને 108 મારફતે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. દાહોદ ડિવિઝનના એ. એસ. પી. કે. સિદ્ધાર્થ તથા ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ નયનસિંગ પરમાર તેમજ પોલીસ જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
છત્તીસગઢમાં 5 કામદારોના શ્વાસ રૂંધાવાથી મોત: થોડા મહિનાઓ પહેલા છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં પણ મજૂરોના મોત થયા હતા. જેમાં ઈંટના ભઠ્ઠા પર સૂઈ રહેલા પાંચ શ્રમિકોના મોત થયા હતા. ધુમાડામાં ગૂંગળામણને કારણે આ મજૂરોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટના રાત્રે 12થી 4 વાગ્યાની વચ્ચે બની હતી. આ મજૂરો ત્યાં કામ કરતા હતા. રાત્રે 12 વાગ્યા સુધી ઈંટોના ભઠ્ઠામાં કામ ચાલતું હતું. બધા શ્રમિકો પણ ખૂબ થાકેલા હતા. ગામલોકોનું કહેવું છે કે તમામ શ્રમિકો કામનો થાક દૂર કરવા દારૂ પીને ભઠ્ઠા ઉપર સૂઈ ગયા હતા. દારૂનો નશો એટલો બધો હતો કે ઈંટોના ભઠ્ઠામાંથી નીકળતો ધુમાડો તેમને જગાડી શક્યો ન હતો.