દાહોદઃ જિલ્લામાં લોકડાઉન બાદ અનલોક-1માં પણ વેપારીઓને ગ્રાહકોના અભાવે વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના વાઇરસના ભયના કારણે માલ ખરીદવામાં ગ્રાહકો સંકોચ અનુભવી રહ્યાં હોવાથી વેપારીઓને આર્થિક મુશ્કેલીની સમસ્યા સર્જાઇ છે.
લોકડાઉન બાદ અનલોક-1માં શહેરમાં રસ્તા પર લારીઓ લગાવીને વેચાણ કરી રહેલા ફ્રુટ માર્કેટના વેપારીઓ ચિંતિત જોવા મળી રહ્યાં છે. અનલોકના કારણે શહેરીજનો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા નીકળી રહ્યાં છે, પરંતુ જાહેર માર્ગોપર ફળફળાદી વેચતા વેપારીઓ દ્વારા લગાવવામાં આવેલી રેકડીઓ પર ફળો ખરીદવા માટે ગ્રાહકો બહું ઓછા જઈ રહ્યાં છે.
ફળો ખરીદવા માટે ગ્રાહકો નહીં આવતા ફ્રૂટના વેપારી માટે ઘણીવાર ફ્રૂટ ખરીદવાનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ થઇ રહ્યોં છે. શહેરના કેટલાય વિસ્તારોમાં લાગેલી રેકડીઓ પર ફળફળાદી ખરીદવા માટે લોકોની લાંબી કતારો લાગતી હતી, જે કોરોના વાઇરસના લીધે લોકોમાં આવેલા ભયના કારણે ફળો ખરીદવામાં પણ નાગરિકો સંકોચ અનુભવી રહ્યાં છે. ભય અને સંકોચના કારણે ગ્રાહકો ફળો નહીં ખરીદતા હોવાથી વેપારીઓને આર્થિક મુશ્કેલીની સમસ્યા સર્જાઇ છે.