દાહોદ: જિલ્લામાં ખેતી અધિકારી દ્વારા તપાસ દરમિયાન ખંડેલવાલ કૃષ્ણકુમાર નંદકિશોર નામના શખ્સ દ્વારા રૂ. 12,100 ખાતરના 12 થેલાઓને લાયસન્સ વિના વેચવામાં આવ્યા હોવાની વિગતો સામે આવતા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વર્ષાઋતુનું આગમન થતાં ધરતીપુત્રોએ મોંઘા ભાવનું બિયારણ અને રાસાયણિક ખાતરોની ખરીદી કરીને ખેતરોમાં વાવેતર શરૂ કર્યું છે.
જિલ્લામાં રાસાયણિક ખાતર લાયસન્સ વિના ઉંચા ભાવે વેચાતું થયું હોવાની વિગતો પ્રકાશમાં આવતા ખેતીવાડી વિભાગ દ્વારા ફતેપુરા નગરમાં ખાતરના વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન કૃષ્ણકુમાર ખંડેલવાલ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વિના ખાતરનો જથ્થો ખેડૂતોને વેચાણ કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ ખાતરના જથ્થામાં 10 બેગ નાઇટ્રો ફોરેસ્ટ 50 કિ.ગ્રા. અને હિન્ડાલકો લિ. ની ખાતરની 2 બેગ ડીએપી જેની કિંમત રૂ.12,100 જેટલી થાય છે તે જપ્ત કરવામાં આવી છે. જે કંપનીઓ લાયસન્સ વિનાના ડિલરોને ખાતર સપ્લાય કરે છે તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું. તેમજ દાહોદના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ ખેડૂતોને ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા માટે જણાવ્યું છે.