દાહોદ : જિલ્લામાંથી નર્સિંગનો અભ્યાસ કરવા માટે તેલંગણા રાજ્યના મલ્કાજગીરી મુકામે ગયેલી ઝાલોદ અને ગરબાડા તાલુકાની 27 દીકરીઓને જિલ્લા વહીવટીતંત્ર અને પી એમ કાર્યાલયની મધ્યસ્થીથી આજે દાહોદ આવી પહોંચી હતી.
આ દીકરીઓ આવી પહોંચતાની સાથે જ કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, એક અઠવાડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી આ અંગે જાણી થઇ હતી. તેમાં રજૂઆત કરી હતી કે, તેલંગણાના મલ્કાજગીરી ખાતે આવેલી ક્રિસ્ટીના નર્સિંગ કોલેજ ખાતે દાહોદ જિલ્લાના ગરબાડા તથા ઝાલોદ તાલુકાની ૨૭ દીકરીઓ લોકડાઉનમાં ફસાઇ ગઇ છે. આ દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે અને હવે દાહોદ પરત આપવા માગે છે. જે બાબતની મુખ્યપ્રધાન વિજય રૂપાણી તથા રાજ્ય સરકારને તુરંત જાણ કરવામાં આવી હતી અને સરકારે ત્વરિત આ દીકરીઓને સલામત પરત લાવવા માટે સૂચના આપી હતી.
તે બાદ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા. સ્વૈચ્છિક સંસ્થાના રાજેશભાઇ સિસોદિયાને મલ્કાજગીરીની કોલેજ સાથે સંકલનમાં રહેવાનું કહેવામાં આવ્યું હતું. તે દરમિયાન, દીકરીઓને પરત લાવવા માટે સ્વૈચ્છિક સંસ્થાએ દિલ્હી સ્થિત ગુજરાત ભવનનો પણ સંપર્ક કર્યો હતો. જ્યાંથી તેલંગણા ભવન સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. દિલ્હી ખાતે આવેલી વિવિધ રાજ્યના રેસીડેન્સ કમિશ્નરની કચેરીઓ પણ આ બાબતે સંકલન સાધવાનું કાર્ય કરી રહી છે. આ ઉપરાંત, વડાપ્રધાનના કાર્યાલય, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ તથા રાજ્ય સરકારના તેલંગણાના નોડેલ ઓફિસર ધનંજય દ્વિવેદી અને પી. ભારતીએ પણ આ દીકરીઓને દાહોદ પરત લાવવા માટે સક્રિય રસ લીધો હતો.
તેેઓએ વધુમાં કહેતા જણાવ્યું કે, ચાર દિવસ પહેલા સૌરાષ્ટ્રથી મહાસાગર ટ્રાવેલ્સની એક બસ હૈદરાબાદ ખાતે મોકલવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીઓ મલ્કાજગીરીથી હૈદરાબાદ આવી હતી અને ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસી બે રાત તથા એક દિવસની મુસાફરી કરી સલામત રીતે દાહોદ પરત આવી ગઇ હતી. આ ૨૭ દીકરીઓને મુસાફરી દરમિયાન કોઇ પણ પ્રકારની મુશ્કેલી પડવા દેવામાં આવી નહોતી. આ બાબતે ધ્યાને લઇ કલેક્ટરએ બસના ક્ર્રુ મેમ્બરનું સન્માન કર્યું હતું.