દાહોદઃ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યપ્રધાને સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, "ભૌતિક વિકાસની દ્રષ્ટિએ ગુજરાત તમામ ક્ષેત્રોમાં નંબર વન છે. હવે, માનવ વિકાસની દિશામાં પણ ગુજરાતને અગ્રેસર બનાવવુ છે. વડાપ્રધાને આપેલા સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે ગુજરાત પાછી પાની નહી કરે." આમ, તેમણે આ અભિયાનમાં જોડાવા માટે સમાજને આહ્વાન કર્યુ હતું.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ સંદર્ભમાં ઉમેર્યું કે, ગુજરાતમાંથી કુપોષણને નેસ્તાનાબૂદ કરવા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે મહિલા અને બાળ વિકાસ વિભાગને અલાયદો બનાવી તેના બજેટમાં રૂપિયા 400 કરોડમાંથી વધારો કરી રૂપિયા 3000 કરોડ કરવામાં આવ્યું છે.
આગળ વાત કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે કિશોરી, સગર્ભા માતા, ધાત્રી માતા, બાળક એમ તમામ સ્તરે પોષણ મળી રહે તે માટે યોજનાઓ શરૂ કરી છે. તેમજ વ્યવસ્થાઓ વિકાસાવી તેને અમલી બનાવી છે. કિશોરીઓ એનેમિયામાંથી મુક્ત થાય તે માટે દવાઓ આપવામાં આવે છે. તેમના માટે પ્રિમિક્સ આહાર આપવામાં આવે છે. કિશોરી ભવિષ્યની માતા છે. જો કિશોરાવસ્થાથી જ કુપોષણ નાબૂદ થઇ જાય તો તે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.
મુખ્યપ્રધાને સગર્ભા માતાઓની રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી દરકાર અંગેની માહિતી આપતા કહ્યું હતું કે, "ગર્ભાવસ્થાના પ્રથમ બે માસથી જ તેમની આશા વર્કરો દ્વારા નોંધણી કરવામાં આવે છે. તે બાદ તેમને પૂરક અને પોષક આહાર આપવામાં આવે છે. પાયલોટ પ્રોજેક્ટના તાલુકાઓમાં સગર્ભા માતાઓને આંગણવાડી ખાતે એક ટાઇમનું ભોજન આપવામાં આવે છે. સાથે, તેની દરેક તબક્કે તબીબી તપાસ કરવામાં આવે છે."
આ ઉપરાંત બાળકનો જન્મ થાય એટલે તેનું તબીબી પરીક્ષણ કરવામાં આવે છે. ઉંચાઇ અને વજનના આધારે તપાસ કરતા જો તે કુપોષિત જણાય તો તુરંત સારવાર આપવામાં આવે છે. તેનું રસીકરણ કરવામાં આવે છે. બાળકોને તેમની માતા સાથે, બાળ સંજીવની કેન્દ્રમાં રાખવામાં આવે છે. આનુષાંગિક તમામ પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે. આજનું બાળક આવતી કાલના ભારતનું ભવિષ્ય છે. આ ભવિષ્યને આપણે સૌએ સાથે મળીને ઉજ્જવળ બનાવવું છે. આ માટે ગુજરાતમાંથી કુપોષણે સંપૂર્ણપણે નાબૂદ કરી, સુપોષિત બનાવવું છે.
આંગણવાડી કાર્યકરો, પૂર્ણા સખીઓ અને આરોગ્યની મહિલા કર્મચારીઓને હ્રદયસ્પર્શી અપીલ કરતા વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ભારતનું ભવિષ્ય તમારા ખોળામાં રમે છે. તમારે યશોદા માતાની જેમ આ બાળકોની સંભાળ લેવાની છે. તેમના આહાર અને આરોગ્યનું સંભાળ રાખીને તેમને કુપોષણમાંથી સંપૂર્ણપણે મુક્ત કરવાનું છે. પોષણ અભિયાનના તમે મહત્વપૂર્ણ અંગ છો તેમ જણાવ્યું હતું.
મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાતના બાળકોને સુપોષિત બનાવવા માટે તમામ લોકોના સહયોગની આવશ્યક્તા છે. સમાજના તમામ ક્ષેત્રના અગ્રણીઓ ઓછામાં ઓછા એક કુપોષિત બાળકના વાલી બને, સપ્તાહમાં એક વાર આ બાળકની મુલાકાત અને તેના શારીરિક વિકાસની સંભાળ લે. એક વર્ષમાં માત્ર 48 વખત બાળકની મુલાકાત લઇ તેને સુપોષિત બનાવવામાં લોકો સહયોગ આપે તે જરૂરી છે. આ ઇશ્વરીય અને જનસેવાનું ઉમદા કાર્ય છે.
મુખ્યપ્રધાને બાળકને અન્નપ્રાશન કરાવ્યું હતું. સાથે, કિશોરીઓ અને માતાઓને ટેક હોમ રાશનનું પણ વિતરણ કર્યુ હતું. મહિલા અને બાલ વિકાસ વિભાગના મેગેઝીન સહિયર ગોષ્ઠિ અને રેસીપી બૂકનું મુખ્યપ્રધાને વિમોચન કર્યું હતું. રન ફોર પોષણમાં વિજેતા કિશોરીઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને અને મહાનુભાવો દ્વારા પાલક વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા. 61.27 લાખના ખર્ચથી લીમખેડામાં નિર્મિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરી, રૂપિયા 81.26 લાખના ખર્ચથી બનેલા સાગટાળા પોલીસ સ્ટેશન, રૂપિયા ૪૭ લાખના ખર્ચથી બનેલી ગુના શોધક શાખા-દાહોદની કચેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. દાહોદના અગ્રગણ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ મુખ્યપ્રધાનના પોષણ નિધિમાં રૂપિયા 2.90 લાખનું અનુદાન અર્પણ કર્યું હતું.