દાહોદ: જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળકો માટે આરોગ્યના અભય વચન સમાન સાબિત થઇ રહ્યો છે. જિલ્લાના તમામ તાલુકાના કુલ 655 જેટલા ગામને આવરીને 7,63,786 બાળકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે. આ માટે જિલ્લાની કુલ 204 ટીમો કાર્યરત છે.
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.આર.એમ. પરમારે કહ્યું કે, જિલ્લામાં શાળાએ જનારા અને શાળાએ ન જનારા કુલ 8,41,481 બાળકોના આરોગ્યની તપાસ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જેની સામે 7,63,186 બાળકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કુલ બાળકોમાં રોગિષ્ટ બાળકોનું પ્રમાણ 0.5 ટકા કરતા પણ ઓછું છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના છેલ્લા રિપોર્ટ પ્રમાણે તાવ, શરદી, ઉધરસ જેવી નાની વ્યાધિથી પીડાતા 68,407 બાળકોને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. જેથી તેનો રોગિષ્ઠ બાળકોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
રેફરલ સેવાઓ જેમને આપવામાં આવી એવા બાળકોની સંખ્યા જોઇએ તો, બાળક રોગ નિષ્ણાંતમાં 773, આંખ રોગ માટે 607, દંતરોગ માટે 788, ચર્મરોગ માટે 795, ઇએનટી માટે 206 બાળકોને સારવાર આપવામાં આવી હતી.
જિલ્લામાં ગત વર્ષે 8,00,970 બાળકોની ચકાસણી કરવામાં આવી હતી. જે પૈકી 10,270 બાળકોને સંદર્ભ સેવાઓ આપવામાં આવી હતી. તેમાં હ્રદયરોગના 91, કિડનીના 11 અને કેન્સરના 7 બાળ દર્દીઓ મળી આવ્યા હતા. આ ઉપરાંત ગત વર્ષે ગંભીર રોગ કહી શકાય એવા કુલ 139 બાળકોની સારવાર કરવામાં આવી હતી. તેની સરખામણીએ ચાલુ વર્ષે હ્રદય રોગના 40, કિડનીના 11 અને કેન્સરના 9 બાળ દર્દીઓ મળી આવ્યા છે.
નેફ્રોલોજીને લગતા કેસોમાં કિડનીમાં સોજો આવવો, રિનલ ફેઇલ્યોર અને રક્ત વિકારના રોગો પણ બાળકોમાં જણાયા હતા. શાળા આરોગ્ય કાર્યક્રમ આવી ગંભીર બિમારીથી પીડાતા બાળકો માટે બહુ જ આશીર્વાદરૂપ છે. કેન્સરના પ્રથમ તબક્કામાં જ તેનું નિદાન થતાં હવે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદની શાહ હોસ્પિટલમાં આવા બાળ દર્દીઓની સારવાર કરાવવામાં આવી રહી છે.
ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 5 લાખ સુધીનો ખર્ચ થાય એવી સારવાર વિનામૂલ્યે થઇ રહી છે. આ સારવાર બાદ બાળકોને નવજીવન મળશે અને તેમના ચહેરા પર સ્મિત ફરી રેલાશે.