દાહોદ: શહેર નજીક ઝાલોદ રોડ પર આવેલા છાપરી ગામની જમાલી સ્કૂલમાં 53 બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની મંજૂરી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. અહીં દાખલ થનારા દર્દીઓની સંભાળ માટે તબીબોની વ્યવસ્થા પણ વોરા સમાજ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત, ભોજન સહિતનો ખર્ચ વોરા સમાજ દ્વારા ઉઠાવવામાં આવશે. દર્દીઓના ટ્રોન્સપોર્ટેશન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી છે. કાર્યકારી મુખ્ય જિલ્લા અધિકારી ડૉ. સથારે કહ્યું કે, જમાલી સ્કૂલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં હાલમાં બે દર્દીઓને શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમને તમામ પ્રકારનો ટેક્નિકલ સપોર્ટ આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત, દાહોદમાં પ્રથમ વખત એક ખાનગી હોસ્પિટલને કોવિડના દર્દીઓની સરકાર દ્વારા નિયત દરો સાથે સારવાર કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. દાહોદની એલ. ડી. હોસ્પિટલને આ મંજૂરી આપવામાં આવી છે.
