- કેસો પોઝિટિવ આવવાનું પ્રમાણ 2 ટકા
- દાહોદ જિલ્લામાં પ્રતિ દસ લાખે 3731 લોકોનુ પરીક્ષણ
- દાહોદમાં કોરોનાનો મૃત્યદર 10 ટકા, ડિસ્ચાર્જ દર 38.24 ટકા
- ઓપીડીની વિગતો આરોગ્ય તંત્રને નિયમિત રીતે આપવા સૂચના આપી
- અનલોક-2 ના છેલ્લા પખવાડિયામાં દાહોદમાં કોરોના વાઇરસના કેસમાં ચિંતાજનક વધારો
દાહોદઃ દાહોદમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવો એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દાહોદ નગર ઉપરાંત તાલુકામાં કોરોના વાઇરસથી પ્રભાવિત વિસ્તારોમાં સઘન આરોગ્યલક્ષી સર્વેલન્સ ઉપરાંત સામુહિક ભાગીદારી વધારવામાં આવી રહી છે. સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા ધન્વંતરિ રથો દ્વારા આરોગ્ય ચકાસણી વધુમાં વધુ થાય એ બાબત ઉપર ભાર વધારવામાં આવી રહ્યો છે.
અનલોક-2 ના છેલ્લા પખવાડિયામાં દાહોદમાં કોરોના વાઇરસના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એપ્રિલ માસના શરૂઆતમાં એટલે કે, અંગ્રેજી વર્ષના 15માં અઠવાડિયામાં એક કેસ હતો. તે બાદ આવેલા લોકડાઉનમાં પણ કેસોની સંખ્યા એકદમ જૂજ હતી.
જેમ કે, વર્ષના 16માં વીકમાં 2, 17માં વીકમાં 2, 18માં વીકમાં 2 અને 18માં વીકમાં 12 થઇ હતી. આ ફિગર કેસોમાં 6 ગણો વધારો દર્શાવે છે. પણ, કેસોની સંખ્યા પણ ઓછી છે. હાલમાં અંગ્રેજી વર્ષનું 29મું સપ્તાહ ચાલે છે. ત્યારે કેસોની સંખ્યા અત્યાર સુધીમાં 75 થઇ છે. તેના પહેલાના 28માં સપ્તાહમાં આ 69 કેસો નોંધાયા હતા. એનો મતલબ એ થયો કે, માત્ર એક જ પખવાડિયામાં કેસોની સંખ્યા 142 થઇ ગઇ છે.
કોરોના વાઇરસના ટેસ્ટિંગનું પ્રમાણ દાહોદમાં પ્રતિ દસ લાખે 3731 છે. તેની સામે કેસો પોઝિટિવ આવવાનું પ્રમાણ 2 ટકા જેટલું છે. જ્યારે, દર્દીઓના સાજા થવાનું પ્રમાણ 38 ટકા જેટલું છે.
દાહોદ નગરમાં સૌથી વધુ કેસો નોંધાયા છે. તેમાંય ખાસ કરીને શહેરના ઘાંચીવાડ, ડબગરવાડ કોરોના વાઇરસથી વધુ પ્રમાણમાં પ્રભાવિત થયો છે. ચાલુ માસમાં ઘાંચીવાડમાં અત્યાર સુધીમાં 18 અને ડબગરવાડમાં 11 કેસો નોંધાયા છે.
ગત્ત તારીખ 14ની સ્થિતિએ જોઇએ તો દાહોદ જિલ્લામાં સૌથી વધુ 30થી 44 વર્ષની ઉંમરના 41 પુરુષ અને 12 મહિલા સંક્રમિત થયા છે. તે બાદ 45થી 59 વર્ષના 27 પુરુષ અને 19 મહિલા સંક્રમિત થઇ છે. 60 વર્ષથી વધુની ઉંમર હોય એવા 18 લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. દાહોદમાં કોરોનાનો મૃત્યદર 10 ટકા, ડિસ્ચાર્જ દર 38.24 ટકા છે.
કલેક્ટર વિજય ખરાડી એક મહત્વપૂર્ણ વાત કરતા જણાવે છે કે, દાહોદમાં જેટલા મૃત્યુ થયા છે, એમાં એક બાબત એવી ધ્યાને આવી છે કે, દર્દીઓ છેલ્લી ઘડીએ દવાખાનામાં દાખલ થાય છે. દાહોદથી કેટલાક દર્દીઓ પોતાના રૂટિન ચેકઅપ માટે વડોદરા જાય છે. ત્યાં ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવે છે. આ ઉપરાંત દર્દીઓ પોતાના આરોગ્યને લગતી હકીકતો છૂપાવે છે.
તેથી અમે ડબગરવાડ તથા ઘાંચીવાડમાં કાર્યરત હોય એવા પાંચ તથા વડોદરાના બે તબીબોને પોતાને ત્યાં થતી ઓપીડીની વિગતો આરોગ્ય તંત્રને નિયમિત રીતે આપવા સૂચના આપી છે. આવી જ અપીલ જિલ્લાના તબીબોને પણ કરવામાં આવી છે. જેથી કોરોનાના શંકાસ્પદ દર્દીઓની માહિતી પ્રાથમિક તબક્કે જ મળી જાય છે..