દાહોદ: પરેલ વિસ્તારમાં આવેલા રેલ્વે કારખાનામાં મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ રેલવે કર્મચારીઓ દ્વારા ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશનની આગેવાનીમાં જનજાગરણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહની ઉજવણી દરમિયાન વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનની આગેવાનીમાં રેલવે કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને જનજાગરણ સપ્તાહની ઉજવણી સાથે સરકાર સામે રહેલી પડતર માંગણીઓ સંદર્ભે સોશિયલ ડિસ્ટન્સ સાથે વિરોધ કર્યો હતો.
જેમાં કર્મચારીઓની પડતર માંગણીઓમાં રેલવેના ખાનગીકરણનો વિરોધ, રેલવે કર્મચારીઓનું રોકાયેલ મોંઘવારી ભથ્થું શરૂ કરવાની માંગ, નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ, રેલવે સેફટીની તમામ જગ્યાઓ ભરવા માંગ, એપ્રેન્ટીસ એકટની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓની રેલવેમાં ભરતી કરવા સહિતની વિવિધ માંગણીઓને લઇને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આવનારા સમયમાં તમામ કર્મચારીઓ એક સાથે થઈને પોતાના હક માટે લડવા માટે તૈયાર રહેવાનું આહવાન કરવામાં આવ્યું હતું.