દાહોદ બેઠકનો ઇતિહાસ
ત્રણ રાજ્યના સીમાડે આવેલા દાહોદ લોકસભા મતવિસ્તાર આદિવાસી સમુદાય ધરાવતો હોવાથી ST માટે અનામત બેઠક છે. આ બેઠક પર દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠક અને મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસનો કિલ્લો ગણાતી દાહોદ લોકસભા બેઠક પર આઠ વખત કોંગ્રેસે કબજો જમાવ્યો છે. જ્યારે ત્રણવાર ભાજપનો ઉમેદવાર વિજય બન્યો છે. વર્ષ 2014માં ભાજપે બાજી મારતા કોંગ્રેસના ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડને પછડાટ આપી જશવંતસિંહ ભાભોર વિજેતા બન્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંને 2019ની ચૂંટણીમાં દાહોદ બેઠક જીતવાનો દાવો કરી રહ્યા છે. કોંગ્રેસ જીતવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે, ત્યારે ભાજપે બેઠક જાળવી રાખવા માટે કમર કસી છે.
દાહોદ બેઠકના સમીકરણો
દાહોદ લોકસભા બેઠક દાહોદ જિલ્લાની ઝાલોદ, દેવગઢ, બારીયા, લીમખેડા, દાહોદ, ગરબાડા અને ફતેપુરા વિધાનસભા બેઠક તેમજ મહિસાગર જિલ્લાની સંતરામપુર વિધાનસભા બેઠક મળી કુલ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
1) દાહોદ લોકસભા બેઠકની ઝાલોદ, દાહોદ અને ગરબાડા બેઠક પર ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે સૌથી વધુ લીડ સાથે વિજય હાંસલ કર્યો હતો. આ બેઠકો પર લાંબા સમયથી કોંગ્રેસનો દબદબો છે, જ્યારે દેવગઢ, બારિયા અને લીમખેડા બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે, પરંતુ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ ફતેપુરા અને સંતરામપુર બેઠક પર ભાજપના બંને ઉમેદવારો કોંગ્રેસ સામે પાતળી બહુમતીથી વિજેતા થયાં હતાં. જેથી ગત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ કોંગ્રેસનું પલડું ભારે જોવા મળી રહ્યું છે.
2) દાહોદ જિલ્લાની જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનો દબદબો હોવા છતાં પણ હાલ જિલ્લા પંચાયત ભાજપના કબજામાં છે. તેમજ જિલ્લાની નવ તાલુકા પંચાયતોમાંથી પાંચ તાલુકા પંચાયત પર ભાજપનો કબજો છે. જ્યારે દાહોદ, ફતેપુરા, ઝાલોદ અને ગરબાડા તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો દબદબો છે, આમ તાલુકા અને જિલ્લા પંચાયતના સમીકરણ જોતા BJPનું પલડું ભારે છે. આવું હોવા છતાં પણ તાલુકા અને જિલ્લા પંચાયતમાં સભ્યો સૌથી વધારે છે.
3) દાહોદ જિલ્લામાં ભાજપ સરકાર દ્વારા વિકાસના કામોને વેગ આપવામાં આવ્યો છે. તેમ છતાં જિલ્લામાંથી પસાર થતો નેશનલ ગુડ્સ કોરિડોર ટ્રાયબલ વિસ્તારના 61 જેટલા ગામોમાંથી પસાર થઇ રહ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો વિસ્થાપિત થવાના એંધાણ છે. જેના કારણે લોકોમાં ભાજપ સરકાર સામે ભારે રોષ ફેલાઇ રહ્યો છે. આ કોરિડોર બંધ કરાવવા માટે આવેદન ધરણા-પ્રદર્શન જેવા કાર્યક્રમો પણ જનતા દ્વારા કરવામાં આવ્યાં છે. જેથી ભાજપના ઉમેદવાર માટે આ 61 ગામોમાંથી વોટ મેળવવા લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે.
4) દાહોદ લોકસભા વિસ્તારમાં આવેલી દાહોદ જિલ્લા પંચાયત ભાજપના કબજામાં હોવા છતાં પણ ભાજપના કાર્યકરો અને જિલ્લા, તાલુકા સભ્યોમાં છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે. સત્તા હોવા છતાં પણ સભ્યો તેમજ કાર્યકરોના કામ નહીં થતાં હોવાના બૂમો ઉઠી છે. આંતરિક રોષ હોવા છતાં પણ ભાજપ શાસક પક્ષ હોવાના કારણે કાર્યકરો અને આગેવાનો ચૂંટણી દરમિયાન પરચો આપવાનો છૂપો ગણગણાટ ગાતા અગાઉ જોવા મળ્યાં હતાં. આમ ભાજપનો આંતરિક વિખવાદ ડૂબાડવા સુધી લઈ જાય તો નવાઈ નહીં.
5) અનુસૂચિત જનજાતિ અનામત દાહોદ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારવામાં આવેલા ST-SC એક્ટના કાયદા વિશે લોકસભામાં વિરોધ કર્યો હતો. તેમજ એક પણ શબ્દનું ઉચ્ચારણ કર્યો ન હોવાના કારણે આદિવાસી સમાજ વિફરેલો છે, ત્યારબાદ સુપ્રીમ કોર્ટના બીજા જજમેન્ટમાં 1 લાખ આદિવાસીઓને જંગલમાંથી ખાલી કરવાના આદેશ કરાયો. જેમાં પણ જિલ્લામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. આ ઉપરાંત ગુજરાત સરકારે આદિવાસીઓમાં રબારી, ભરવાડ અને ચારણને સમાવેશ કરવાનો જે આદેશ કર્યો હતો. જેની સામે પણ આજે ભારે રોષ ભભૂકી રહ્યો છે. ભાજપ સરકાર દરમિયાન આદિવાસી વિરોધી થયેલા ત્રણે સુધારા સામે ભારે રોષ છે. આદિવાસી જનતામાં રહેલો આ રોષ ભાજપના પાયા હલાવી શકે છે.
દાહોદ બેઠકના મતદારો
1) દાહોદ મત વિસ્તારમાં 15,66,265 મતદારો નોંધાયેલા છે. આ મતદારો પૈકી 66.87 ટકા મતદારો આદિવાસી છે. 15.47 ટકા મતદારો બક્ષીપંચ સમુદાયના છે, જ્યારે 2.90 ટકા મતદારો લઘુમતી સમાજના છે અને 1. 60 ટકા મતદારો અનુસૂચિત જાતિના છે, જ્યારે 8.5 ટકા મતદારો અન્ય જાતિના લોકોનો છે.
2) દાહોદ લોકસભા બેઠક પર 7,88,205 પુરુષ મતદારો નોંધાયેલા છે. જ્યારે 7,78,042 મહિલા મતદારો નોંધાયા છે. તેમજ 18 અન્ય મતદારો મળી કુલ 15,66,265 મતદારો દાહોદ બેઠક પર નોંધાયા છે.
2014ની લોકસભા ચૂંટણીનું પરિણામ
વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી દરમિયાન દાહોદ લોકસભા બેઠક પરથી વિવિધ પાર્ટીના 10 ઉમેદવારોએ ચૂંટણીમાં જંપલાવ્યું હતું. દાહોદ મત વિસ્તારની ચૂંટણી દરમિયાન ભાજપના જશવંતસિંહ ભાભોરને 5,11,111 મતો મળ્યા હતા. જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી ઉભા રહેલ ડૉક્ટર પ્રભાબેન તાવિયાડને 2,80,757 વોટ મળ્યા હતા. જ્યારે બાકીના 8 ઉમેદવારોને 30,000 કરતા ઓછા મતો મળ્યા હતા. જ્યારે 32,305 મતદારોએ નોટામાં મતદાન ઉમેદવાર પ્રત્યે વિરોધ દર્શાવ્યો હતો.
કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ બેઠક પર 2014માં ભાજપે કાંકરા ખેરવીને જવલત બહુમત સાથે કેસરીયો ખેસ લહેરાવ્યો હતો, પરંતુ વર્તમાન સમયમાં 2019ની ચૂંટણી દરમિયાન જો કોંગ્રેસ સબળ ઉમેદવાર ઉભો રાખે તો ભાજપ માટે કપરા ચઢાણ નહીં, પરંતુ જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડે તો નવાઈ નહીં.