દાહોદ: જિલ્લાના જાલત ગામે રહેતા અર્જુનભાઈ સુરમલના ઘરેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દારુ ઉતર્યો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી. જે બાતમીના કારણે સ્ટેટ મોનિટરિંગ ટીમ રાત્રિ દરમિયાન સ્ટાફ સાથે જાલત ગામે આવેલા અર્જુન સુરમલની માલિકીના મકાન પર રેડ પાડી હતી. તે સમય દરમ્યાન 30થી 40 લોકોનું ટોળુ સ્થળ પર ધસી આવ્યું હતું અને સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમના અધિકારીઓ અને કર્મચારીઓના ઘેરી લઇને હુમલો કર્યો હતો.
પોલીસે સ્વબચાવમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા કતવારા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પીએસઆઇ બારીયાએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસના ફાયરિંગના પગલે ટોળું અંધારામાં પલાયન થયું હતું પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી ટોળા વિરુધ્ધ ષડયંત્ર, પ્રોહીબીશન, સરકારી કામમાં રુકાવટ અને રાયોટીંગનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.