દાહોદઃ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં રાત્રી દરમિયાન ચોર આવ્યાની અફવા ફેલાવીને લોકોમાં ભયનો માહોલ ઉભો કરનાર વોટ્સએપગ્રુપ એડમીન સહિત પાંચ વ્યક્તિઓની સામે પોલીસ ફરિયાદ નોંધીને તેઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની સોશિયલ મીડિયા સામે કરાયેલી કાર્યવાહીથી ખોટા મેસેજ ફેલાવનારા લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના વાઇરસ સામે જનતા લડાઈ લડી રહી છે, ત્યારે કેટલાક તત્વો દ્વારા લોકડાઉન દરમિયાન સાંજના સમયે દાહોદ શહેર અને ગ્રામ્ય પંથકમાં વાહનમા બેસીને ચોર આવ્યા હોવાની અફવાઓ ફેલાવાના કારણે લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો હતો. તેમજ મોડી રાત્રી સુધી ચોર આવ્યા હોવાનું જાણીને લોકો ઉજાગરા કરી રહ્યાં હતા.
છેલ્લા ચાર દિવસથી ચોરની અફવાઓથી પંથકમાં ભયનો માહોલ ઉભો થવાના કારણે રાત્રી દરમિયાન લોકો ઘરની બહાર નીકળીને લોકડાઉન ભંગ કરી રહ્યાં હતાં. પોલીસે વિવિધ માધ્યમો દ્વારા અફવા નહીં ફેલાવવાનું જણાવવા છતાં પણ સોશિયલ મીડિયામાં ચોર આવ્યા વિષયની ખોટી માહિતી દ્વારા અફવા ફેલાવી રહી હતી.
પોલીસે ચાર ઈસમો અને વોટ્સએપ ગ્રુપ એડમીન વિરુદ્ધ પોલીસે આઇટી એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ-54 મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.