દાહોદઃ જિલ્લાામાં વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણમાં આવેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા તંત્ર દ્વારા મોકલવામાં આવેલા 107 સેમ્પલમાંથી એક કોરોના પોઝિટિવ આવતા દાહોદ જિલ્લામાં કુલ 14 કોરોના પોઝિટિવના દર્દીઓ બહાર આવ્યા છે. જેઓ તમામ કોરોના હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
દાહોદ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના મહામારીને ડામવા માટે સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ બહારના જિલ્લામાંથી દાહોદ આવી રહેલા લોકોના સંક્રમણમાં આવવાના કારણે કોરોના વાઈરસના પોઝિટિવ કેસો વધવા પામ્યા છે. દાહોદ શહેરના કસ્બા વિસ્તારને બફર ઝોન જાહેર કરેલો છે. તેમજ તેની અંદર આવેલા જુના વણકરવાસ વિસ્તારને કન્ટેઇનમેન્ટ એરીયો ઘોષિત કરવામાં આવેલો છે.
કસ્બા વિસ્તારમાં બોમ્બેથી આવેલા અફરુદીન કાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અફરુદીન કાજી સાથે મુંબઈથી ગાડી ચલાવીને દાહોદ આવેલા સજાઉદ્દીન કાજી સહિત 107 વ્યક્તિઓના કોરોના સેમ્પલ લઇને પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સજાઉદ્દીન કાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બાકીના 106 રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.
આમ, દાહોદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેથી જિલ્લા તંત્રમાં ચિંતાનું મોજુ જોવા મળી રહ્યું છે. તેમ છતાં કોરોના સામે લડી રહેલા યોદ્ધાઓનો વિશ્વાસ હજુ પણ અડીખમ છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કુલ 18 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જે પૈકી ચાર દર્દીઓ કોરોના મુક્ત થતાં તેમને ઘરે પરત મોકલવામાં આવ્યા છે.