દાહોદઃ જિલ્લાની નારી શક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પી.ટી.સી કૉલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી. આ અંગે દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રાજ્ય પ્રધાન બચુ ખાબડે કહ્યું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે આવેલી પી.ટી.સી કૉલેજ ખાતેથી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ઇ-લોન્ચિંગ કરવાની સાથે રાજ્ય પ્રધાન બચુ ખાબડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા કલ્યાણના અનેક પગલાં લીધા છે. નારી અદાલતો શરૂ કરી છે. અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. પોલીસની ભરતી તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વિશેષ અનામત મહિલાઓ માટે રાખવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, આ યોજનાથી મહિલાઓને આર્થિક ઉત્થાન માટે નવી તક મળશે. મહિલાઓ પગભર બની શકશે. રાજ્યના સખી મંડળોને આવરી લેવામાં આવ્યાં છે. જેથી મહિલાઓ નિયત વ્યવસાય કરી આર્થિક સ્વતંત્ર બની શકશે.
કલેક્ટર વિજય ખરાડીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકાર દ્વારા બાળકીના જન્મથી લઇને મૃત્યુ સુધી દરકાર રાખવામાં આવતી હોવાનું કહી વિવિધ યોજનાની માહિતી આપી હતી અને તેનો લાભ લેવા મહિલાઓને અપીલ કરી હતી.
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.બી.બલાતે શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે 5 સખી મંડળોને રૂપિયા 1-1 લાખની લોન સહાયના મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ દક્ષાબેન, ચેરમેન જુવાનસિંગભાઇ, અગ્રણી મુકેશભાઇ, પ્રાંત અધિકારી દિનેશ હડિયલ સહિત સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.