દાહોદ : જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા લોકો આ મહામારીમાં ન સપડાય તે માટે જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગના 1977 આરોગ્યકર્મીઓની 731 ટીમે લોકડાઉન દરમિયાન ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત 3500 જેટલા ટીબીના દર્દીઓને નિયમિત રીતે ઘરે બેઠા દવા પહોંચાડવાની ભારે જહેમત ઉઠાવી ગામે ગામ ઝુંબેશ આદરી 2960 દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું હતું.
કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે દાહોદ જિલ્લામાં ક્ષય રોગથી પીડાતા દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઝુંબેશ ઉપાડીને સ્પેશિયલ કામગીરી કરવામાં આવી હતી. લોકડાઉનના બે મહિના દરમિયાન 892 દર્દીઓ સહિત આ વર્ષે 2960 નવા દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે.
ક્ષય રોગ નિદાન માટેની ખાસ મોબાઇલ વાનના ઉપયોગ થકી 692 ગામોમાં 16523 લોકોની ટીબીની તપાસ કરવામાં આવી છે.જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજની રાહબરીમાં જિલ્લા ક્ષય અધિકારીની કચેરી અને આરોગ્ય વિભાગની ટીમે જિલ્લામાં ક્ષય રોગના કોઇ પણ દર્દીને કોરોના સંક્રમણ ન થાય એ માટે સખત પરીશ્રમ સાથે આયોજનબદ્ધ કામગીરી કરી હતી.
વર્ષ 2020માં (મે 2020 અંતિત) જાહેર ક્ષેત્રે 2547 અને ખાનગી ક્ષેત્રે 919 એમ કુલ 3466 ક્ષય રોગના દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. જિલ્લાની વસ્તી પ્રમાણે પ્રતિ એક લાખ વ્યક્તિએ ક્ષય રોગનું પ્રમાણ 399 વ્યક્તિનું છે. જિલ્લામાં ક્ષય રોગના દર્દીઓના સંપૂર્ણ સ્વસ્થ્ય થવાનું પ્રમાણ જોઇએ તો વર્ષ 2015 માં 88 ટકા, વર્ષ 2016માં 90 ટકા, વર્ષ 2017 માં 90 ટકા અને વર્ષ 2018 માં 93 ટકા છે. આમ મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે દાહોદમાં જિલ્લા તંત્ર દ્વારા લેવામાં આવતા સંકલ્પબદ્ધ પ્રયાસોને પરીણામે દર વર્ષે ટીબીના દર્દીઓના સ્વસ્થ્ય થવાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે.