આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસની ધામ-ધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આદિવાસી બાહુલ્ય ધરાવતો અને મહત્વકાંક્ષી દાહોદ જિલ્લામાં આદિવાસી દિવસની ઉજવણી માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવી રહ્યા છે. વિશ્વ આદિવાસી દિવસના રંગારંગ કાર્યક્રમની ઉજવણી માટે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને આયોજનની બેઠક જિલ્લા-તાલુકાના અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં સ્ટેજ વ્યવસ્થા, જનમેદની માટેની બેઠક વ્યવસ્થા, કાયદો અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓના સુચારૂં કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતુ.
તેમજ વિવિધ કામગીરીઓ માટે અધિકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથે તેજસ્વી વિધાર્થીઓ, રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકેલા ખેલાડીઓ, પ્રગતિશીલ ખેડૂતો, પશુપાલકો, સમાજને વિશિષ્ટ પ્રદાન કરનાર સમાજ સેવકોને સન્માનવા બાબતે પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં થયેલા વિકાસ કામોનું લોકાર્પણ અને જનહિતના કામોના ભૂમિપૂજન અંગે પણ ચર્ચા કરવામાં અવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પ્રાયોજના વહિવટદાર સહિત તમામ સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.